પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
સાહિત્ય (ચાલુ).

દિશા સૂજાડનાર અચળ ધ્રુવના તારા સમાન માલમ પડ્યા છે.”*[૧] આવા કલ્યાણકારી નરને હમ્મેશ ધન્યવાદ જ ઘટે છે અને એમનું સ્મરણ ગુજરાતી પ્રજાના હૃદયમાં ચિરકાળ વાસો કરશે જ.

કવીશ્વર દલપતરામની શૈલીને અનુસરનારાઓમાં દલપતરામ જેવી શક્તિને અભાવે તેમની કવિતા દલપતરામની કવિતાના જેવી અસર કરી શકી નથી. ઘણાં વર્ષ પૂર્વે રણછોડલાલ ગલુરામે ‘કાવ્યસુધા’ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. ધર્મ તરફ મનનું વલણ થઈ જવાથી એમણે ત્યાર પછી કશું લખ્યું હોય એમ જણાતું નથી. રા. ગણપતરામ રાજારામે ‘લીલાવતી કથા’ નામનું સારૂં આખ્યાન લખ્યું છે; એમનું ‘પાર્વતી કુંવર આખ્યાન’ નાનું પણ રસભર્યું આખ્યાન છે. એમણે પાછળથી ‘લઘુભારત’ નામનાં સરળ અને રસિક પુસ્તકો લખી ગુજરાતી સાહિત્યમાં સારો ઉમેરો કર્યો છે. રા. હરજીવને જૂની ધાટી ઉપર ‘ચાવડા ચરિત્ર’નામનું વીરકાવ્ય ઘણાં વર્ષ ઉપર લખ્યું હતું. ભાષાની સરળતા અને કેટલીક સુંદરતા છતાં વીરકાવ્ય તરીકે એમાં નિર્માલ્યતા જણાય છે. ચાવડાચરિત્રને બદલે ‘ચાપોત્કટ ચરિત્ર’ એવું સંસ્કૃત નામ ધરીને આ કાવ્ય બીજી આવૃત્તિરૂપે ગુજરાતીમાં આવ્યું છે ! લીમડીના કવિ ભવાનિશંકરે પણ આ શૈલીની કવિતા કરી છે. ‘દુનિયાના મોટા શેાધ’ નામની એક સારી ચોપડી ઘણાં વર્ષ પૂર્વે પ્રગટ થઈ હતી. ભક્તિરસથી ભરપૂર ‘કેશવકૃતિ’ ધર્મ–નીતિ–વગેરેનો બોધદાયક સંગ્રહ છે. સુરતના કવિ દલપતરામ દુર્લભરામે ‘દલપતકૃત કાવ્ય’ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. બુલાખી ચકુભાઇએ પોતાની નાતના હિતને સારૂ ‘ઉદીચ્ચ જમણવાર અનીતિશતક’ તેમજ બીજી પરચુરણ કવિતા કરી છે. રા. રમણભાઈએ એમની કવિતામાંથી એક જગાએ સારૂં અવતરણ આપ્યું હતું. રમણભાઈ કહે છે તેમ "પદપૂર્ત્તિ" ના વિષયમાં ‘કર્યું ભગાના જેવું,’ ‘પેટ કરાવે વેઠ,’ ‘બકરૂં કાઢતાં પેસે ઉંટ,’ ‘રાણીનો સાળો’ એવાં એક પછી એક પદ લેઇને તેની પૂર્તિ કરી તેના સંગ્રહને ‘કાવ્ય કૌસ્તુભ’ નો કિતાબ આપે છે.”


  1. સમાલોચક.