પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
સાહિત્ય (ચાલુ).

રા. દોલતરામ કૃપારામ પંડ્યાનું ‘ઇંદ્રજીતવધ’ કાવ્ય આ કોટીમાં છેલ્લો સારો નમુનો છે. ઐતિહાસિક વસ્તુ લઇ તેના ઉપર જૂદા જૂદા છન્દાદિમાં સર્ગ બદ્ધ કાવ્ય લખેલું છે. રાવણનો પુત્ર ઇંદ્રજીત–તેની સ્ત્રી સતી સુલોચના ઈત્યાદિ પાત્ર વર્ગની મહતા સાચવીને કાવ્ય તરંગ કવિએ કેમ દોડાવ્યો છે તે જોતાં રા. પંડ્યાને અભિનંદન આપવા જેવું છે. કાવ્યમાં રાત્રી, પ્રભાત, વન, વિલાસ, યુદ્ધ આદિ વર્ણનો આપવાં જ જોઈએ એવો દર્પણકારનો નિયમ છે. આ કાવ્યમાં ઠેકાણે ઠેકાણે કવિની પ્રતિભાનાં દર્શન થાય છે. પ્રતિભાના આનંદમાં નિમગ્ન થઇ આ કાવ્યમાં કવિયે જે કાવ્ય રચ્યાં છે તે રસ અલંકારથી ભરપુર છે, પણ તેમાં તેમના તરંગ એટલા બધા ઉપરા ઉપરી દોડી રહ્યા છે, ને કાંઈ નવીન પ્રકારનું–અસાધારણ કાવ્યત્વ ચમકાવી દેવાની કવિની ઉત્કંઠાને લીધે એવા ગુંચવાઇ પડ્યા છે કે ઘણાં પદ્યો કેવળ ક્લિષ્ટ થઈ ગયાં છે, ને અર્થનો બોધ સ્ફુટ રીતે કરી શકતાં નથી. એટલું જ નહિ પણ કોઇ કોઇ વાર તો બહુ મનન કર્યા છતાં એ સ્પષ્ટ થતાં નથી. કાવ્યમાંના જામેલાં રસને પડતો મુકી શબ્દો કે અલંકારની ક્લિષ્ટતાને બંધ બેસાડવા માટે થોભી રહી દુ:ખ વેઠવું પડે એ રસજ્ઞ વાંચનારને તો કડવું ઝેર જેવું લાગે છે; અને કવિ પણ જો ખરો રસજ્ઞ હોય તો એવી ભૂલમાં કદાપિ ન ઉતરે. એટલા જ માટે કાવ્યોમાં પ્રસાદ ગુણને આવશ્યક ગણ્યો છે. ક્લિષ્ટતાની પેઠે શબ્દોની રચનામાં ગ્રામ્યતા આવે એ એથી ઉતરતો પણ એક દોષ જ છે. શબ્દ પ્રયોગમાં ધ્યાન ન આપવાથી રસભંગ થઈ બેસે છે. આવા પ્રકારના સંસ્કાર દોષ તો અનેક છે છતાં આ કાવ્ય પ્રતિભાથી ભરપૂર છે. ઇંદ્રજીતવધમાં શુદ્ધ, પણ સંસ્કારહીન, પ્રતિભા ઝળકી રહી છે, તેથી જ એમાં કાવ્યત્વ આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ કાવ્ય આવકાર આપવા યોગ્ય છે. એજ લખનારનો બીજો કાવ્યસંગ્રહ ‘કુસુમ ગુચ્છ’ તેમનાં રસથી ભરપૂર કાવ્યોનો સંગ્રહ છે. રા. પંડ્યાની કવિતા સારી છે અને જે જે પ્રદેશમાં ઉતરે છે તેને તેના યોગ્ય સ્વરૂપમાં દેખાડે છે. રસ લાવવો, અર્થ સુચવવો અને પ્રસંગને અનુકુળ કોમળ રાગ ઢાળ વગેરેનું ગ્રહણ કરવું એ ઔચિત્ય એમની કવિતામાં છે. દોષ શોધવા બેસીએ તો તે ન મળી આવે એમ નથી. પણ