પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
સાહિત્ય (ચાલુ).

સુંદરતા ભર્યાં જણાશે. કવિનું ગૌરવ ઇંગ્રેજી ઢબનાં સંગીતો લખવામાં જ સમાયલું છે. 'હિંદુઓની પડતી' ની ખુબી પણ તે કાવ્ય છૂટા છૂટા ખંડોનું બનેલું હોવાથી જ છે. એમનું 'લઘુ રૂતુવર્ણન' અને 'પ્રીતિ' સંબંધી કેટલીક કવિતા બહુ સુંદર છે.

કવિ નર્મદાશંકરને અનુસરનાર શૈલીવાળાં કાવ્યમાં 'વિજયવાણી' મુખ્ય છે. એમાં કેટલીક જગાએ તો કવિના જ વિચાર, ભાષા અને શબ્દો ધરાધરી પેશી જવા પામ્યા છે. લખનાર પોતેજ પોતાની કવિતાને માટે બોલતાં કવિ દયારામના સતસૈયાનો

"દૂર્ગ, કાવ્ય, કુષ્માંડુ, કુચ, ઉખ, કઠોર ત્યોં સાર;"

એ દોહરો વાંચનારને દેખાડી દે છે, એટલે એ કવિની બાનીને માટે બોલવાનું રહેતું જ નથી કે એ સરળ નથી. 'વિજયવાણી' ની 'સંક્રાંતિની સ્હવારે આકાશમાં ચગતા કનકવા' નામની કવિતા વાંચવા લાયક છે. ટીકા વગર ના જ સમજાય તે કવિતા એમ આ કવિ પોતાની બીજી આવૃત્તિમાં પ્રતિપાદન કરવા પ્રયત્ન કરે છે.

આ જ વર્ગનું બીજું પુસ્તક રા. મઘુવચરામ બળવચરામ વ્હોરાનું 'મધુર કાવ્ય' છે. તેમાં સ્વદેશ પ્રીતિ અને શૃંગારની કવિતા છે.

પાઠશાળાના શિક્ષણને લીધે સંસ્કૃતની સંસ્કારી અસર થવાથી નવી તરેહની શૈલીના ઉદય વિશે અમે કહી ગયા છીએ. સ્વ. ભીમરાવ ભોળાનાથનું 'પૃથુરાજ રાસા' નામનું કાવ્ય આ કોટીનું છે. લખનારના શોકજનક મૃત્યુને લીધે આ કાવ્ય અધુરૂં રહ્યું છે. પરંતુ છે તેટલું 'કાવ્ય રસથી પરિપૂર્ણ છે. તેમાં કળાની કેટલીક ખામી છે, વ્યાકરણના કેટલાક દોષ છે, વાક્ય રચના કેટલીક ક્લિષ્ટ છે, અલંકાર કેટલાક અસ્પષ્ટ છે, કલ્પનામાં કેટલેક ઠેકાણે અસંભવ દોષ છે, શબ્દો કેટલેક ઠેકાણે રૂચિને ખિન્ન કરનારા છે. પરંતુ આ દોષથી કાવ્યના ગુણ ઢંકાઈ જતા નથી. સૌંદર્ય, લાલિત્ય, લાવણ્ય એ ભીમરાવની કૃતિનાં અપ્રતિમ લક્ષણ છે.' 'અદ્‌ભૂતરસ વીરરસ, સમર્થ શબ્દ પ્રભાવનો ચમત્કાર, મહતાને ઘટે તેવી