પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
સાહિત્ય (ચાલુ).

આ ચાલમાં પરિપૂર્ણ થયું છે એ તેના સંગીતથી જણાઈ આવે છે. છંદોમાં અને વિશેષે કરી અક્ષરમેળ છંદોમાં આ સામર્થ્ય આવી શકતું નથી. માટે, પદ્યબંધમાં આ નવી પદ્ધતિઓ રચવાનો આ માર્ગ અનુકરણ કરવા યોગ્ય છે.' 'જ્યુબિલી' પણ નાનું મનોહર કાવ્ય છે.

સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવનાં કાવ્ય આ શૈલીમાં પ્રથમ છે. એ વિદ્વાને સને ૧૮૯૬ માં પોતાનાં અને મિત્રોનાં કાવ્ય એકઠાં કરીને 'કુંજવિહાર' નામે કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો હતો. 'કુંજવિહાર' ના વિભાગ વિલાસમાં પાડેલા છે. કુલ ત્રણ વિલાસ છે. પ્રથમ વિલાસમાં 'શૃંગાર લહરી,' 'શૃંગાર ચંદ્રિકા,' 'વિરહાનલ,' 'વિરહજ્વાળા મુખી' અને 'શરત્સંજીવની' એ નામનાં પાંચ ઉત્તમ કાવ્યોનો ગુચ્છ આપ્યો છે. કુંજમાં વ્હેતાં ઝરણાં રૂપ પ્રથમ કાવ્ય છે, તેથી તેના વિભાગોને લહરી નામ આપ્યું છે. આવી ઓગણપચાશ લહરીઓ એમાં છે. ચંદ્ર પ્રકાશથી ખીલતી કુંજનું બીજું કાવ્ય 'શૃંગાર ચંદ્રિકા' છે. તેના વિભાગને 'કળા’ કલ્પી છે અને તે સોળ છે. બાગની કુંજ–વ્હેતા ઝરણાની લહરીઓ, ચંદ્રની કળાઓના દર્શનથી પ્રગટ થતો 'વિરહાનળ' એ ત્રીજું કાવ્ય છે. એના વિભાગને 'આહૂતી નામ આપ્યું છે. આહૂતીઓ દશ છે. આહૂતીઓ વડે વિરહજ્વાળા સતેજ થઈને 'વિરહજ્વાળા મુખી' નામનું ચોથું કાવ્ય ઉદ્‌ભવે છે. જ્વાળાની જ્યોતિ બાર છે. આમ વિરહ દગ્ધ થયા પછી મરણ નીવારવાને સંજીવન ઔષધોનો પ્રયોગ છે અને શરદ્‌માં ઔષધીનો જન્મ યોગ્ય ગણી પાંચમું અને એ વિલાસનું છેલ્લું કાવ્ય 'શરત્સંજીવની' છે. આના વિભાગને મંજરી નામ આપ્યું છે.

બીજા વિલાસમાં પણ 'માલતી સંદેશ,' 'મત્ત ગજેંદ્ર,' 'કૌમુદી માધવ,' 'સ્થાનિક સ્વરાજ પ્રબોધિની' અને 'પ્રજા ઘનગર્જન' એવાં પાંચ કાવ્ય છે. છેલ્લાના બે ખંડ પાડેલા છે પ્રથમ ખંડમાં 'પ્રજા ઘનગર્જન' અને બીજામાં 'પ્રજા રણ ગર્જન' છે.

પ્રથમ વિલાસમાં સંજીવની મળ્યા પછી બીજા વિલાસમાં વિહારનો પ્રારંભ છે. પ્રથમ માલતી સંદેશ કાવ્યથી પ્રથમાનુરક્ત નાયક નાયિકાના