પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
સાઠીનૂં વાઙ્‌ગમય.

‘ષૂઢ’ ગુજરાતી એવું પ્રતિપાદન કરવાનો પ્રયાસ કર્યો હતો ! તેવા કાળમાં શુદ્ધ ગુજરાતી લખવાની પહેલ મી. મલબારીએ કરી હતી. એમના દલપતશૈલીના ‘નીતિવિનોદ’ ની તે કાળે વાહવાહ બોલાઈ હતી. ત્યારપછી શુદ્ધ ગુજરાતીનો પ્રયાસ પારસી લેખકો તરફથી વખતોવખત થયો છે. તેવા પ્રયાસમાં મી. ખબરદારે ઘણી ફતેહ મેળવી છે. અજાણ્યો માણસ એમની કવિતા જોઈને કોઈ ગુજરાતીએ લખી હશે એવું જ અનુમાન બાંધે. એમની ‘કાવ્ય રસિકા,’ અને ‘વિલાસિકા’ શુદ્ધ ભાષામાં લખાયલાં પુસ્તક છે. બેશક અનુભવી જોનારને તો તરત ખબર પડે કે લખનાર જન્મથી શુદ્ધ ગુજરાતીનો સંસ્કારી નથી. મી. ખબરદારની કવિતામાં કેટલીક દલપતશૈલીની અને કેટલી નવી શૈલીની છે. તેમની ‘દાદાભાઈને આવકાર,’ ‘ગુણવંતી ગુજરાત’ વગેરે કવિતા ઘણી લોકપ્રિય થઈ પડી છે.

આ સાઠીમાં એક પારસી ધનવાન ગૃહસ્થની કવિતા ‘માહારી મજેહ’ નામથી પ્રગટ થઈ છે. એમાંની કવિતા છન્દ અગર વૃત્તમાં નહિ પણ માત્ર ‘મિઝાન યાને વજન’ ના સુમાર ઉપર જ રચાયલી છે. પ્રસિદ્ધ કર્ત્તા પોતાની કૃતજ્ઞતા માત્ર એ પુસ્તક પ્રગટ કરીને જાહેર કરીને સંતોષ ન પામતાં ગુજરાતી પિંગળ શાસ્ત્ર ઉપર હૂમલો કરવાની ગાંડાઈ કરે છે અને એમ કરતાં પોતાની ઉંડાઈ વાંચનારને કળી જવા દે છે. ‘મારી મજેહ’ માંથી થોડા થોડા નમૂના અમારા વાંચનારાઓના વિનોદની ખાતર આપીએ છીએ. ‘દરિયાના એક કોરા (કોડા) વિષે’ ની થોડી લીટીઓ ઉતારીશું.

કિયા મહાસાગરનું તલિયું હશે,
કે પાકીને તું તેમાં બન્યું હશે ?
થયાં હશે તે પરથી વેપારી વહાન
કંઈ સેંકડો પસાર; જે મોજાની હેઠ,
રેતીઓની રજકણમાં, તાહારૂં બદન,
પામ્યું આએ તીપકીનું રંગીત પેહેરન,
તે મોજામાં કોણ જાણે કેટલાં મનખ,
ભાગેલાં વહાનમાંથી પડતાં હેઠલ,
તેં દીઠાં હશે; ”