પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
સાહિત્ય (ચાલુ).

'માહરી મજેહ’ માંથી ‘તપખીરનો સુહરાકો’ માત્ર વાંચનારને રજુ કરીશું !

‘માર્યો સુહરાકો તપકીરનો એવો
તેણે નાકની અંદર
કે છીંકથી બેજાર થયું, તેનું મગજ
ને કચવાતુ નાક તેનું, ગુસ્સાની સાથ,
ઉછલતું દેખાડે ઉપજતો ક્રોધ.’

તેમજ

‘નબળો ને દુબળો પણ અરબ્બી અસ્પ
બેશક એક ગંધ્રર્વ થકી સરસ મનાયેલો છે.’

એ કવિતા વાંચીને અમારા વાંચકોને હાસ્ય તો આવશે જ.

કેટલાક લખનારાની કાવ્યશક્તિ અમુક બનાવોને લીધે સ્ફુરી આવીને રાસડા, પરજીયા, મરસીયા, લાવણી વગેરે રૂપે બહાર પડી છે. અમુક વ્યક્તિના મોતની નોંધ લેવાને આવી ઘણી ચોપડીઓ જન્મ લે છે. આનંદુવિરહ, એન્સ્ટીનું મૃત્યુ, સેક્રેટરી રૂઘનાથરાવના મોતનું વર્ણન કરતી દિલગીરીનો દેખાવ, ગૌરીશંકર વિરહ વગેરે આ જાતની ચોપડીઓ છે. આ જાતની ચોપડીઓમાં છેલ્લે એક પરજીયો–દલપતરામે ફાર્બસ વિરહમાં મુક્યો છે તેવો–જરૂરનો થઈ પડ્યો હોય એમ જણાય છે.

અમદાવાદના આગ અને રેલોએ પણ આબહવાલ, બત્રીસાના બગાડની બૂમો, બત્રીસાની રેલનો ગરબો, સાબરનો સાખો, ચોવીસાના ચોમાસાની ચઢાઈ એવી એવી ઘણી નાની ચોપડીઓ અસ્તિત્વમાં આણી છે.

હિંદુ, મુસલમાન અને પારસી મુસલમાનનાં હૂલ્લડોને લીધે પણ ઘણાની સરસ્વતિએ ઉદ્‌ગાર કાઢ્યા છે.

છપ્પનભોગ, પ્રદર્શન, ભભુતગરનું ભોપાળું, શેરસટ્ટાનો રાસડો, શેરની સટ્ટાબાજી, શેરની હાલત, દરજીની અરજી, દોખમાનો મુકરદમો, નરસીભોપાળું, હરકોરનો હેવાલ વગેરે ચોપડીઓ જાણીતા બનાવ અગર ચરચાયલા મુકરદમાને માટે લખાઈ છે.

તુંટીઆનું તોફાન, તુંટીઆનો તડાકો, રંગીલાનો રોળ વગેરે તે તે કાળે ફાટી નીકળેલી બીમારીની નોંધ રાખનારી નાની નાની ચોપડીઓ છે.