પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
ગદ્ય ગ્રન્થો.

 હતી. સ્વ. નવલરામે સંસ્કૃત શબ્દ વાપરવામાં જો કે પોતાને વિરોધ નથી એમ કહ્યું હતું; પણ તે રૂઢ, પ્રચલિત, પ્રેમાનંદાદિ કવિયોએ વાપરેલા એવા જોઈએ એમ એમનો અભિપ્રાય હતો. સંસ્કૃત શબ્દના ભરણાવાળી છતાં સુંદર ભાષાના નમૂના દાખલ ‘ઈશ્વર પ્રાર્થના માળા’ ને ગણાવી હતી. એમનો અભિપ્રાય શબ્દશઃ અમને માન્ય છે. હાલ સામાન્ય રીતે સમગ્ર શૈલી તરફ ઘણાનું વલણ છે.

ગદ્યગ્રંથો અને તેમાંએ નવલવાર્ત્તા તરફ હવે નજર કરીએ. ગુજરાતી ભાષામાં ‘નવલકથાનું સાહિત્ય ઇંગ્રેજી કેળવણી પછી ઉત્પન્ન થયું છે, અને ઇંગ્રેજી નવલકથાઓની આકૃતિ લઈને જ ગુજરાતી નવલકથાઓ રચાઈ છે. 'પ્રાચીન' ગુજરાતી સાહિત્યના સમયમાં એ પ્રકારની કથારચના જાણવામાં નહોતી.’ રા. ચતુરભાઈના 'અપ્રસિદ્ધ ગુજરાતી ગ્રંથો' માં એક જૂનો ગુજરાતી ગદ્યગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. સંસ્કૃત સાહિત્યમાં પણ નવલકથાનો નમૂનો નથી અને નવલકથા રચવાના નિયમો નથી. સાહિત્યદર્પણકારે 'શ્રાવ્ય' કાવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કેઃ श्रोतव्यमात्रंतत्पद्यगद्यमयंद्विधा ।

'કથામાં' વસ્તુ રસવાળું અને ગદ્યમાં રચેલું હોય. 'આખ્યાયિકા' કથા જેવી હોય; 'કાદમ્બરી' ને સાહિત્ય દર્પણમાં 'કથા' કહી છે અને 'હર્ષચરિત' ને 'આખ્યાયિકા' કહી છે. દંડીના મત પ્રમાણે કથા અને આખ્યાયિકામાં કાંઇ ભેદ નથી. આ પ્રકારની સંસ્કૃત સાહિત્યની કથા કે આખ્યાયિકાના નમૂના ઉપર હાલની નવલકથાઓ રચાઈ નથી.

પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં કથાના બે પ્રકાર ઉદ્‌ભવ પામ્યા હતા. આખ્યાન અને વાર્ત્તા. પ્રેમાનંદનાં 'આખ્યાનો' માં દેવકથાના પ્રસંગ હતા. પુરાણોમાં કહેલી અદ્‌ભૂતતાના અંશવાળી કથાઓ એ આખ્યાનોમાં વર્ણવેલી છે; મનુષ્યોના વ્યવહારમાં દેવોના પ્રભાવવડે અલૌકિક વૃત્તાંત બને, એવી તેઓમાં રચના છે. સામળભટની વાર્તાઓમાં એવી દેવકથાને બદલે માનવકથા છે અને પુરાણોમાંના પ્રસંગ તેમાં નથી. આખ્યાનો અને વાર્ત્તાઓ એ બન્ને શાખાઓ પદ્યમાં હતી. કથા વર્ણવવી એ બન્નેનો ઉદ્દેશ હતો. સામળભટના પહેલાં ઇ. સ. ના સોળમા સૈકામાં જંબુસરના વછરાજ નામે