પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
સાઠીનૂં વાઙ્‌ગમય.

કબીરપંથી લેખકે 'રસમંજરી' ની વાર્ત્તા પદ્યમાં લખી હતી, અને તે એ રીતે પહેલો વાર્ત્તા લખનાર છે. પ્રેમાનંદના પહેલાં પણ વસ્તો, તુલસી એમણે દેવ કથા લખેલી. પરંતુ આખ્યાન અને વાર્ત્તાની શાખાના પ્રવર્તાવનાર તો પ્રેમાનંદ અને સામળભટ જ છે.

યુરોપની કથાઓમાં 'રોમેન્સ' અને 'નોવેલ' એવા જે બે પ્રકાર છે તે વચ્ચેનો કેટલોક ભેદ આ આખ્યાન અને વાર્ત્તા વચ્ચે છે. 'રોમેન્સ' માં પાત્ર અમાનુષ કે ઐતિહાસિક હોય છે, અને તેમાં અલૌકિક ચમત્કારોવાળો અદ્‌ભુત વૃત્તાંત હોય છે. ‘નોવેલ' માં વર્તમાન સમયના સાંસારિક મનુષ્યોની લૌકિક જીવન કથા હોય છે. સામળભટની વાર્ત્તામાં દેવની નહિ પણ ભૂતપિશાચની અમાનુષ કથા કદી કદી આવે છે ખરી, પરંતુ એકંદરે તેની વાર્ત્તા રોમેન્સ કરતાં નોવેલને વધારે મળતી છે. પ્રેમાનંદનાં આખ્યાનમાં સામાન્ય સાંસારિક પાત્રો નથી અને તે રોમેન્સને વધારે મળતાં છે !

'વર્ત્તમાન ગુજરાતી નવલકથા આ 'આખ્યાન' કે 'વાર્ત્તા' ના નમૂનાને આધારે પણ રચાઈ નથી. રોમેન્સ અને નોવેલના મિશ્રણથી શરૂ થઈ હાલની ગુજરાતી નવલકથા નોવેલનું રૂપ ગ્રહણ કરતી જાય છે. નવલકથા શબ્દમાંનું નવલ પદ ઇંગ્રેજી નોવેલ ઉપરથી ઉપજાવેલું છે, અને સંસ્કૃત શબ્દ 'નવલ' નો આભાસ તેને આપી દેવામાં આવ્યો છે. આ શબ્દ આ અર્થમાં પ્રથમ કોણે વાપર્યો તે જણાતું નથી. અલબત્ત 'નવલ' સંસ્કૃત શબ્દ લેતાં 'નવલ કથાનો' કાંઈ વિશેષ અર્થ થતો નથી, અને સંસ્કૃતમાં આ 'નવલકથા' એવો શબ્દ પણ નથી. પરન્તુ એ શબ્દ ગુજરાતી ભાષામાં હવે 'નોવેલ' ના અર્થમાં રૂઢ થયો છે, અને તે સામે વાંધો લેવાનું કાંઈ કારણ નથી. ઇંગ્રેજી નોવેલ (Novel) શબ્દ લેટિન નોવસ્-નવું–ઉપરથી થયો છે; અને તે ઉપરથી ઇંગ્રેજી ભાષામાં ‘નોવેલ’ નો જે લાક્ષણિક અર્થ થયો છે તે જ 'નવલકથા’ નો ગુજરાતીમાં સમજવાનો છે.'

કરણઘેલો પ્રસિદ્ધ થયાની પૂર્વે રા. સા. મહીપતરામે હિંદુ ગૃહસંસારની હાલત વર્ણવતી 'સાસુ વહુની લઢાઈ' નામે નાની હાસ્યરસ કથા પ્રસિદ્ધ કરી હતી. સાંસારિક વૃત્તાન્તની એ પહેલવેહલી જ નવલકથા છે.