પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
ગદ્ય ગ્રન્થો.

 અને મનહર વર્ણનોવાળી હોવાથી આ નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં સારો ઉમેરો કરે છે.

ઐતિહાસિક વસ્તુ ઉપરથી થયેલી આ નવલકથાઓની પૂર્વ ભાટ ચારણોને મ્હોડે રહેલી કથાઓનો મોટો ભંડાર અસ્તિત્વમાં હતો. 'ગુજરાત અને કાઠીયાવાડ દેશની વાર્ત્તાઓ', અને 'ગુજરાતની જુની વાર્ત્તાઓ' નામનાં ઉપયોગી અને સુંદર પુસ્તકોમાં એવી કેટલીક વાર્ત્તાઓનો સંગ્રહ થએલો છે. 'ગુજરાતની જુની વાર્ત્તાઓ' એ જુની વાર્ત્તાઓ સાંભળીને પોતાની સરલ અને રસભરી ભાષામાં રા. મણિલાલ છબારામે લખેલી ત્રણ વાર્ત્તાનો સંગ્રહ છે. 'ગુજરાત અને કાઠીઆવાડ દેશની વાર્ત્તાઓ' એક જાણીતા પારસી લેખકે સંગ્રહી છે. આ ગૃહસ્થ ઇંગ્રેજીમાં બે ત્રણ નાનાં પુસ્તકોલખીને જાણીતા થયેલા હતા. કેળવણી ખાતાના નિયમને અનુસરી અનીતિ તથા ધર્મ ભેદને લગતા વિચારોથી એ વાર્ત્તાઓને મુક્ત કરવાની સારી મહેનત કરી છે. પણ તેમ કરતાં તેનો રસ ઉડી ન જાય તે ઉપર પૂરતું લક્ષ રાખ્યું છે.

આવી વાર્ત્તાઓનો સંગ્રહ કરવો એ મહા મહેનતનું તથા ભારે ખરચનું કામ છે. એને માટે દેશના જૂદા જૂદા ભાગમાં રખડવું પડે છે. ભાટ ચારણોનાં મન મનાવવાં પડે છે; અને તેમ કરતાં કેટલી મહેનતે એક વાર્ત્તા પૂરી પાંસરી હાથ લાગે છે. લોકોની રૂચિ એવી વાર્ત્તાઓ ઉપરથી ઉઠી જવા લાગી હતી, ભાટ ચારણો ભૂખે મરવા લાગ્યા હતા અને કેટલીક વાર્ત્તાઓ ગુજરાતના કેટલાક ભાગમાંથી તદૃન ગૂમ થઈ ગઈ હતી; અને થોડાં વર્ષ બીજાં જાય તો એ જનવાર્ત્તાઓ દેશમાંથી બીલકુલ નાબુદ થશે એમ દહેશત હતી. આ પ્રમાણે આવી વાર્ત્તાઓનો સંગ્રહ કરવાનો ખરેખરો સમય હતો તે કાળે આ ગૃહસ્થે આ સંગ્રહ કરવા માંડ્યો હતો. જનવાર્ત્તાઓનો સંગ્રહ એ મહા ઉપયોગી અને નાના પ્રકારનું જ્ઞાન આપનાર છે. એની ખોટ પંડિતાઈના ગ્રંથોથી પૂરી પડતી નથી. પાછલા સમયમાંનું જ્ઞાન મેળવવામાં એ એક મહા અગત્યનું સાધન છે, અને તેથીજ યુરોપના મોટામોટા પંડિતો જે વાર્ત્તાઓ બૈરાંને તથા છોકરાંને, ગામડીઆને તથા અભણને વંશપરંપરાથી આનંદ આપતી આવે છે તેનો સંગ્રહ કરે અને તે ઉપર વિચાર કરવો એ કામ પોતાની યોગ્યતાને અનુકૂળ સમજે છે.