પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
ગદ્ય ગ્રન્થો.

 આવેલા લેખોનાં ભાષાન્તર તેમ જ બંગાળી પુસ્તકોનાં ભાષાંતર થયાં જાય છે. સાધુ નારાયણ સિવાય રા. કૃષ્ણલાલ ઝવેરી, અને મર્હુમ કૃપાશંકર દોલતરામે બંગાળીમાંથી ભાષાંતર કર્યાં છે. રા. કૃષ્ણરાવ દીવેટીઆની સ્વતંત્ર કલ્પનાની નવી નવલકથા ‘મુકુલ મર્દન’ માં આ અસર સાફ જણાઈ આવે છે.

નવલકથાની વૃદ્ધિ કરનારૂં બીજું બળ તે સંસારસુધારાની ભાવના રૂપ હતું. મર્હુમ કરશનદાસ મૂળજી, રા. ભવાનીશંકર કવિ અને બીજા ઘણાક લખનારાઓએ એ ઉદ્દેશથી કેટલીક કથાઓ લખી છે. આ જ ભાવનાથી લખાયલી સ્વ. કેશવલાલ મોતીલાલની ‘બુદ્ધિ અને રૂઢીની કથા’ કદમાં નાની, પણ ગુણમાં મોટી છે. માત્ર બત્રીસ પાનાની છતાં આજકાલનાં ઘણાંખરાં પુસ્તકો છપાય છે તેનાં ત્રણસેં અને વીશ પૃષ્ટ કરતાં પણ એ વધારે કિંમતી છે એ સ્વ. નવલરામનો અભિપ્રાય હતો. ‘વાર્તા’ના રૂપમાં છતાં એ વાર્તા નહિ પણ રૂપકગ્રંથી એટલે મહારૂપક છે.’ રૂપકગ્રંથ અને મહારૂપક એ નામો સ્વ. નવલરામનાં છે; એનાં લક્ષણ એમના જ બોલમાં આપીશું.

‘રૂપકગ્રંથ એટલે માણસના ગુણ, સ્વભાવ, આચાર વિચાર, વગેરે અદૃશ્ય નિરાકાર ભાવમાં સજીવનારોપણ કરી તે હરતા ફરતા દેહધારી જ હોય તેમ તેનું વર્ણન, તેનાં લક્ષણ તથા કાર્ય કારણોને અનુસરીને કરવું તેને અમે રૂપકગ્રંથ કહીએ છીએ. બીજો વિષય ચાલતો હોય તેમાં પ્રસંગોપાત કોઇ ગુણને આવું રૂપ આપવું તેતો માત્ર રૂપકાલંકાર જ થાય છે, પણ જ્યારે આ રૂપક સર્વાંગે વિસ્તાર પામી એક વાર્ત્તાનું રૂપ પકડે, ત્યારે તે રૂપકગ્રંથી કહેવાય. આપણી ભાષામાં સર્વજનપ્રિય આવી રૂપકગ્રંથીનું પુસ્તક પ્રેમાનંદકૃત ‘વિવેક વણઝારો’ છે. સંસ્કૃતમાં પ્રબોધચંદ્રોદય નાટક અને ઇંગ્રેજીમાં પેલા અભણ પણ ભકિતમસ્ત કંસારા બનીયનનો ‘ભક્તપર્યટણ’ (Pilgrim's Progress) છે. રસશાસ્ત્રમાં આવાં કાવ્યને પ્રથમ પંક્તિ મળતી નથી એ વાજબી છે પણ જે સારૂ લખતાં આવડે તો મહારૂપક સરસ કાવ્ય છે.’*[૧]


  1. ગુ. શા. પત્ર.