પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
સાઠીનૂં વાઙ્‌ગમય.


લોકોતો ગ્રંથ 'ગ્રંથ સાહેબ' વાંચીને અને શીખ અમલદારોની જોડે શંકાઓ અને શીખ દંતકથા વગેરેનો તપાસ કરીને લખાયલું–ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ લખાવેલું ‘રણજીતસિંહ’ નું ભાષાન્તર એજ પુસ્તકના ગુજરાતી પ્રેસના બીજા ભાષાન્તરની સ્પર્ધા છતાં પ્રજામાં વધારે પોશાયું છે, અને ઘણાં વર્ષ ઉપર એની બીજી આવૃત્તિ થઈ ગઈ છે. રા. મણિલાલનો 'લોરેન્સ' વાંચવા લાયક ગ્રંથ છે. આ ગ્રંથાવળીનાં થયેલાં ભાષાન્તરોમાં કેટલાંક મૂળ લખનાર જોડે તદૈકવૃત્તિથી લખાએલાં અને કેટલાંક તો તરજુમા જ છે.

'કોલંબસનો વૃત્તાંત' સન ૧૮પર માં પ્રગટ થયેલો વાંચવા લાયક સરળ ગ્રંથ છે. એવું જ બીજું ચરિત્ર ધર્મવીર 'રાજા રામમોહનરાય' નું છે. 'ફ્રાંક્લિન, ગેરિબૉલ્ડીનાં બોધક જીવનચરિત્રો પણ ગુજરાતીમાં ઉતર્યાં છે. 'મહાવીર સ્વામી, શંકરાચાર્ય, જરથોસ્ત વગેરેનાં જન્મચરિત્રો પણ પ્રગટ થયાં છે.

આજ કોટીમાં અમદાવાદની સ્મોલકોઝ કોર્ટના જજ્જ સ્વ. રા. બા. લલ્લુભાઇ પ્રાણવલ્લભદાસનું 'શ્રીમદ વલ્લભાચાર્યનું ચરિત્ર' સારી રીતે લખાયલું પુસ્તક છે. આ ગ્રંથમાં લખનારના હૃદયનો ભક્તિરસ સરળ, રૂઢ અને રસિક ભાષામાં વાક્યે વાક્યે રેલાતો નજરે પડે છે.

જન્મચરિત્રની કોટીમાં મુકાય એવાં બીજા બે પુસ્તકો ગુજરાતી ભાષામાં સન ૧૮૬૯ માં બહાર પડ્યાં હતાં. રા. બાપાલાલ અને પંડિત ડાહ્યાભાઇ ઘેલાભાઇ એમનાં 'કવિચરિત્ર' માં જૂના કવિયોનાં જીવનનો મળી શકે એવો અહેવાલ અને તેમને માટે લોકોમાં વપરાતી કિંવદન્તિ આપેલી છે. રા. ડાહ્યાભાઇનું પુસ્તક વધારે સુંદર છે.

સ્વ. મહીપતરામે ગુજરાતી ભાષાના ભંડોળમાં જન્મચરિત્રનાં બે પુસ્તકોનો વધારો કર્યો છે. એમના જ બોલમાં 'ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજીનું ચરિત્ર' એમણે પ્રગટ કર્યું હતું. સ્વ. નવલરામ કહે છે તેમ 'એ ગ્રંથનો વિષય, વાણી, અને વિવેક એ ત્રણે વિવેચકના ચિત્તને આકર્ષણ કરે એવાં છે.' એ ગ્રંથ પ્રગટ થયાં પહેલાં ગુજરાતીમાં સારો કે નઠારો ચરિત્રનિરૂપણનો એકે ગ્રંથ ન હતો. કરશનદાસ જેવા સુધારાવાળાનું જન્મચરિત્ર