પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
સાઠીનૂં વાઙ્ગમય.

સેવકરામે પ્રગટ કર્યું હતું. સ્વ. મહીપતરામે ‘જગતનો સંક્ષિપ્ત ઈતિહાસ' લખ્યો છે.

કવિ નર્મદે પોતાની રસિક બાનીમાં 'રાજ્યરંગ’ નામે સુંદર પુસ્તક લખ્યું છે.

દેશી રાજ્યમાં ગોંડળ, જૂનાગઢ વગેરેના ઈતિહાસ લખાયા છે. લખતરનો ઈતિહાસ ત્યાંના ચંચળ કારભારી રા. મગનલાલ ત્રીભુવનદાસ વકીલે લખ્યો છે. શરૂવાતમાં ૧૮૫૧ ની સાલમાં સ્વ. મગનલાલ વખતચંદે અમદાવાદનો ઈતિહાસ લખ્યો હતે. સૈારાષ્ટ્રના ઈતિહાસના કર્તા રા. ભગવાનલાલ સંપતરામે 'વાઘેર લોકોનો ઈતિહાસ અને બંડ' સંબંધી નાનું પુસ્તક બનાવ્યું હતું.

સ્વ. કિન્લોક ફોર્બ્સે ગુજરાતના ઈતિહાસનું વસ્તુ લઈને પોતાની 'રાસમાળા' રચી હતી. એ ઇન્ગ્રેજી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ફોર્બ્સ ગુજરાતી સભાએ રા. રણછોડભાઈ ઉદયરામ પાસે કરાવ્યું છે. એમણે ભાષાંતરમાં પુષ્કળ સુચના અને સુધારા ઉમેર્યા છે. રસિક, સરલ અને પ્રસાદવાળી શૈલી, તેમ જ ઉત્તમ વસ્તુને લીધે 'રાસમાળા' ગુજરાતીમાં એક સમર્થ અને ઉપયોગી ગ્રંથની પદ્વી ભોગવે છે. રાસમાળા જેવા પ્રસિદ્ધ ગ્રંથને માટે વધારે કહેવું જરૂરનું નથી. ‘ત્યમ ફાર્બસ સાહેબ વિના, નવ ઉધરત ગુજરાત' એ ઉક્તિ ઓછી નથી.

પૃથુરાજ રાસાને આધારે 'પૃથુરાજ ચોહાણ' નામનાં બે પુસ્તકો અસ્તિત્વમાં આવ્યાં છે.

પારસી ગ્રંથકારોએ ‘પુરાતન પારસીઓની તવારીખ,’ ‘રૂસ્તમખાનું' , ‘તારીખીશાહીનઈ ઈરાન', તવારીખ ઈહિખામનીયાં,’ ‘તવારીખ ઈકદમ ઈરાન,' અને તવારીખ ઈસાસાનીયાં, નામે ગ્રંથો લખ્યા છે. 'ફ્રાન્સ અને જર્મની' તેમ જ ‘તર્કી અને રૂશીયા’ના વિગ્રહનાં સચિત્ર દળદાર પુસ્તકો પારસી ગ્રંથકારે બહાર પાડયાં છે.

છેવટે એમ જણાય છે કે આ વિષય પર સારા ગ્રંથોની ખોટ હજુ પુરાઈ નથી અને કોઈ વિદ્વાન સમર્થ પુસ્તક લખીને ભાષાની સમૃદ્ધિમાં ઈષ્ટ વધારો કરે એવી આશા ફળીભૂત થાઓ.