પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
ઇતિહાસ અને ભૂગોળ.

 (૩) નાતોની હકીકત:—

ગૂજરાતની જૂદી જૂદી નાતોના મુખ્ય રિવાજો વગેરેનું પુસ્તક મી. બોરોડેઇલ—અમદાવાદના માજી કલેક્ટરના પિતા, અને જેઓ પોતે પણ અમદાવાદના કલેક્ટર હતા, તેમણે લખ્યું હતું. તે સિવાય 'ઉદિચ્ય પ્રકાશ', 'ટોળકનિબંધ,’ ‘ટોળકીઆ ઉદિચ્યની સ્થિતિ,' 'ઝાલાવાડના દશા અને વિશાશ્રીમાળી વાણીઆના નિયમો' અને 'રૈક્વેપુરાણનો સાર' એવાં એવાં પુસ્તકો આ સાઠીમાં પ્રગટ થયાં છે. નાગરોના 'નગરખંડ' નાં ભાષાન્તરનો આરંભ થયો છે. સુરતની કોઈ સન્નારીએ પોતાની વડનગરા નાગરની નાતના રીતરીવાજ સંબંધી પુસ્તક લખ્યું છે. સૌ. બાળાબહેને અમદાવાદના નાગરમાં લગ્ન, જનોઈ, સીમંત વગેરે પ્રસંગે ચાલતા રીવાજો સંબંધી એક પ્રકરણ પોતાની પ્રસિદ્ધ 'ગીતાવળી' માં ઉમેર્યું છે. કોઈ પારસી ગૃહસ્થે આફ્રીકાની શીઆપોસ કાફીર લોકોનો ઈતિહાસ, રીતરીવાજ અને ધર્મ વિશેનું નાનું પુસ્તક લખ્યું છે.

(૪) ભૂગોળ–સ્થળ વર્ણન:—

ઈ. સ. ૧૮૩૩ માં મુંબઈની નેટીવ એજ્યુકેશન સોસાઈટી સારૂ 'ભૂગોળ અને ખગોળ’ નામની ચોપડી લખાઈ હતી. ત્યારપછી 'ભૂગોળનું વર્ણન' નામનું પુસ્તક ગુજરાતી ટ્રાન્સલેટર તરફથી પ્રગટ થયું હતું. તેમ જ 'ગાયકવાડી ઈલાકાની ભૂગોળ,' ' કચ્છની ભૂગોળ,' ' રેવાખંડની ભૂગોળ,' 'પંચમહાલની ભૂગોળ,' 'સુરત જીલ્લાની', ‘ભરૂચ જીલ્લા'ની એવી એવી ચોપડીઓ પ્રગટ થઈ હતી. છોકરાંઓને પોપટ બનાવવા સારૂ સવાલ જવાબના રૂપમાં પણ કેટલીક ભૂગોળની ચોપડીઓ કમનસીબે પ્રગટ થઈ હતી. સરકારી કેળવણી ખાતા તરફથી થએલી ચોપડીઓ સારૂ અમે બીજે સ્થળે કહી ગયા છીએ. સને ૧૮૬૭ માં 'ભૂગોળનો ઉપયોગ' એ નામે નાનું ઉપયોગી પુસ્તક રા. સા. હરિલાલ મોહનલાલે બહાર પાડ્યું હતું. સ્થળ વર્ણનનાં પુસ્તકોમાં 'ગીરનાર મહાત્મ્ય,' 'મહાબળેશ્વર,' 'થાન’ ની હકીકત જણાવતું 'કંડોળ પુરાણ' અને 'રાણપુરની મુખ્તેસર હકીકત' એવી એવી ચોપડીઓ આ સાઠીમાં થઈ છે.