પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
ઇતિહાસ અને ભૂગોળ.

આપી છે અને ઈગ્લેંડની પ્રજાની ખરી ખુબીઓ વાંચનારની સમક્ષ મુકીને એ પ્રજા ઉપર માન અને મમતાની લાગણી ઉત્પન્ન થાય એવી રીતે આ પુસ્તક લખાયું છે. સુંદર સ્થળોનાં વર્ણન જ માત્ર નહિ પણ રંગબેરંગી નમુનેદાર ચિત્રો આપીને ગ્રંથને ઓર ચિત્તાકર્ષક બનાવ્યો છે. ઇંગ્લંડની કુદરતી લીલાની જોડે અંગ્રેજી ઘરસંસાર, ધર્મ, કેળવણી, વેપાર, ઉદ્યોગ, રીત રસમ, અને રાજપ્રકરણ વગેરે ઘણી ઘણી બાબતો યથાયોગ્ય ટૂંકાણમાં વર્ણવીને વાંચનારના મનમાં ઈંગ્લેંડ અને ઈંગ્રેજો ઉપર સ્નેહભાવ ઉત્પન્ન કર્યો છે. સાત વર્ષની નાની ઉમ્મરે, નવા જ બહાર પડેલા આ ગ્રંથે અમારા મનમાં તો ઇંગ્લંડના પ્રવાસની પ્રબળ આકાંક્ષા ઉત્પન્ન કરી હતી. સમગ્ર રીતે બોલતાં આ ગ્રંથ જેવો એ કેટીમાં બીજો કોઈ ગ્રંથ ગુજરાતીમાં થયો નથી. સ્વ. મહાપતરામે, તેમ જ શેખ યુસફઅલ્લીએ પોતપોતાની ઇંગ્લાંડની મુસાફરીનાં પુસ્તકો લખ્યાં છે. પણ એ પુસ્તકો કરસનદાસના ગ્રંથ જોડે સ્પર્ધા કરે એવાં નથી. સ્વ. મહીપતરામે પોતાનો ગ્રંથ વિસ્તારથી લખ્યો જ નથી. મી. યુસફઅલ્લિ તો એક પોલીસ ઈન્સ્પેકટર હતા અને એમનો ગ્રંથ તો લખનારને ગ્રંથકર્તુત્વ જોડે ઝાઝો સંબંધ જ નથી એ ખુલ્લું દેખાડી આપે છે.

કરશનદાસનો પ્રવાસ નીકળ્યા પછી બેએક વર્ષે દામોદરદાસની ચીનની મુસાફરીનું પુસ્તક બહાર પડયું હતું. બીજાં બેએક વર્ષ પછી એક પારસી ગૃહસ્થે 'દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી' ' છપાવી હતી. ત્યારબાદ એકાદ વર્ષે મી. અરદેશર ફરામજી મૂસ અને મિત્રોએ કરેલી 'હિંદુસ્થાનમાં મુસાફરી' નામે પુસ્તક નીકળ્યું હતું. આ પુસ્તક સચિત્ર અને સારી રીતે લખાયેલું છે. 'મોદીબંદરથી માર્સેલ્સ' નામે રમુજી, મુસાફરીનું પુસ્તક મી. મર્ઝબાને પ્રગટ કર્યું હતું. એમાં ઘણી હકીકતો સમાયેલી છે. જર્મની અને ઇંગ્લેંડ બન્ને દેશોનું વર્ણન-કૌતુક સંગ્રહની ભાષામાં આપ્યું છે. આ સિવાય બીજા કેટલાંક પુસ્તકો થયાં છે તેમાં હાજી સુલેમાન શાહમહમદ નામના મુસલમાન ગૃહસ્થની 'પૃથ્વિની પ્રદક્ષિણા' નોંધ લેવા લાયક છે. અમે ભુલતા ન હોઈ એ તો ઈંગ્રેજી કેળવણીનો લાભ