પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
ધર્મ અને તત્વજ્ઞાન.

 માર્ગનાં પુસ્તકો વૈષ્ણવ મુમુક્ષોને માટે લખ્યાં છે. હિંદીમાંથી 'વિચાર સાગર','યોગવાશિષ્ઠ'ના અનુવાદ થયા છે. સાધુ નિશ્ચળદાસના ગ્રંથનું સુંદર ભાષાંતર બહાર પડ્યું છે. 'શરીફ સાલેહમહમદ' નામના વેદાન્તના અભ્યાસી ખોજા ગૃહસ્થે પણ કેટલાંક પુસ્તકો ગુજરાતીમાં ઉતાર્યા છે. 'વેદસ્તુતી', 'વેદ વિરૂદ્ધ મત ખંડન' નામે ગ્રંથો બહાર પાડ્યા છે. સ્વ. મણિલાલે 'ષડદર્શન સમુચ્ચય' અને 'સિદ્ધાન્તસાર'નામે વિદ્વતા ભર્યા સારા ગ્રંથોનો આપણા ગુજરાતી સાહિત્યમાં વધારો કર્યો છે. હાલતો હિંદીમાંથી નહિ પણ ખૂદ સંસ્કૃતમાંથી આવા ગ્રંથોનાં ભાષાન્તર થવાનું વલણ વિશેષ જણાય છે. સમયની પ્રવૃત્તિએ જૈનબંધુઓને પણ સતેજ કર્યા છે; અને થોડાં વર્ષોથી જૈન સાહિત્ય ધમધોકર પ્રગટ થાય છે. જૈન સાહિત્યને માટે અમે જૂદું પ્રકરણ જ આપવું ઇષ્ટ ધાર્યું છે.

(૩) ખ્રિસ્તી ધર્મ:—

સુવાર્ત્તા—સન ૧૮૨૦ માં સીરામપોરના ખ્રિસ્તી ધર્મગુરૂઓએ બાઈબલ–સુવાર્ત્તાનું ભાષાન્તર કર્યું હતું. સુરતના ધર્મગુરૂઓએ સન ૧૮૨૭ માં ‘નવી સ્થાપના,' સન ૧૮૫૩ માં 'નવોબંદોબસ્ત,' સને ૧૮૬૭ માં 'નવો કરાર' નામથી ધર્મ પુસ્તકના ગુજરાતી તરજુમા કરેલા છે. શ્રી ઈસુખ્રિસ્તના જૂદા જૂદા શિષ્યોએ લખેલી સુવાર્ત્તાના પણ તરજૂમા થયા છે. તેમ જ 'પ્રેરિતોનાં કૃત્ય' પણ બહાર પડ્યાં છે.

ધર્મ પુસ્તકોનું સાહિત્ય— 'દૈનિકપ્રસાદ', 'ઈસુ ખ્રિસ્તના ચમત્કાર', 'ખ્રિસ્તી ધર્મકથાઓ,' 'પરમેશ્વરના દશ હુકમ,' 'પવિત્ર લેખની વાર્ત્તા' એવા એવા ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર સંબંધી ગ્રંથો થયા છે. . પંથના ઈતિહાસ–અને અન્ય ધર્મ ખંડન:– 'હિંદુ ધર્મનો ખુલાસો,' 'ઇસામસીહા અને મહમદની બાબતની વાત,' 'જૈન મતની પરીક્ષા,' 'પારસી ધર્મની દલીલોની તપાસ,' 'સત તથા અસતની પરીક્ષા' નામના ગ્રંથો આ કોટીના છે. કેટલાક તો વિતંડાવાદથી ભરેલા છે.

સિદ્ધાત અને રૂપકો:— 'આદમાખ્યાન,' 'ભ્રમણ તોડનારની વાણી,' અને 'બોધપર બોધ' વગેરે પુસ્તકો સન ૧૮૭૩ થી ૧૮૭૭ સુધીમાં લખાયાં છે.