પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
ભાષા અને વિજ્ઞાન.



પ્રકરણ ૭.

ભાષા અને વિજ્ઞાન
अ ભાષા

(૧) કોષ:—

દરેક ભાષામાં વ્યાકરણ અને કોષની ખરેખરી અગત્ય છે. જ્યાં સુધી કોઇ ભાષામાં તે ભાષાનું વ્યાકરણ હોય નહિ ત્યાં સુધી તે ભાષા થાળે પડેલી લેખાય જ નહિ. તેમજ જ્યાં સુધી કોઈ ભાષામાં કોષ લખાયો હોય નહિ. ત્યાં સુધી તેની શબ્દ સ્મૃદ્ધિનો ખ્યાલ ધરાધરી આવે નહિ. સ્વ. ફોર્બ્સના મત પ્રમાણે આપણી ભાષા આ સાઠીના આરંભકાળે બજારૂ ભાષા જેવી હતી. બેશક મી. ફોર્બ્સે પ્રાચીન કવિયો વગેરેના સાહિત્યની વાત કોરાણે રાખીને તે કાળની જ વસ્તુસ્થિતિનો વિચાર કરી અભિપ્રાય જાહેર કર્યો છે. આવી અવસ્થામાં ભાષા હતી તેમાં વ્યાકરણ અને કોષ વગેરેની આશા જ ક્યાંથી રખાય ? ઇંગ્રેજી રાજ્યની ઉદારતાએ જનસમાજની કેળવણીના રોપેલા પાયાને પ્રતાપે દેશમાં જેમ બીજી બાબતોમાં તેમ ભાષા પ્રકરણમાં પણ એક તરેહનું ચાંચલ્ય આવ્યું હતું. ગુજરાતી ભાષામાં કોષ લખવાનો વિચાર પ્રથમ સુરત નિવાસી સ્વ. માસ્તર દલપતરામ ભગુભાઇ ને થયો હતો. એમણે એક કોષ તૈયાર કર્યો હતો. આ કોષ સર જમસેંદજી છજીભાઈએ ખરીદી લીધો હતો. એમણે મીરઝા અહમદ કાજીમ અને નવરોજજી ફરદુનજીને સ્વાધીન કર્યો હતો. આ ઉપરથી તેઓએ જે કોષ તૈયાર કર્યો તે તેમના નામથી જાણીતો છે. એ કોષમાં પંદર હજાર શબ્દો છે. તોપણ તે વિદ્વાનોને ખપ લાગે એવો થોડોજ છે. તેમજ આપણી હાઈસ્કુલનો કોઈ વિદ્યાર્થી ગુજરાતી વાંચનની ચોપડીમાંનો શબ્દ તેમાં શોધવા જાય તો તે કેવળ નિરાશ થયા વગર રહે નહિ. ટુંકામાં એ કોષ ગ્રંથસ્થ શબ્દ આપતો નથી પણ માત્ર વ્યવહારમાં વપરાતા શબ્દો આપે છે; અને તે પણ બધા નહિ. એ કોષકારનું માન અમે કોઈ પણ રીતે