પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
કોષ.


બીજી આવૃત્તિ કાઢવી પડે છે! વર્તમાનપત્રો વગેરેની કરોડો નક્કલો રોજ નીકળે છે અને ખપી જાય છે. આપણે અહિં તો નવી ચોપડી વાંચવાની ઉત્કંઠા જ ઓછી અને તે પણ વેચાતી લઈને વાંચવાની તો વાત જ કયાંથી ! પુસ્તકશાળાઓમાં એક વર્તમાનપત્ર વાંચવા ઘણાંએ માણસો ટમટમી રહ્યાં હોય છે ! બીજો વાંચી રહે ત્યાં સુધી પહોળા મોંયે બેસી રહે છે. તેમ જ નવી ચોપડી વાંચવા લેવાની મારામાર થાય, પણ કોઈ ગાંઠેથી ખર્ચ કરીને વેચાતી લે નહિ. હજુ પણ આવી સ્થિતિ છે. સાહિત્યની સેવા બજાવીને, પુસ્તકો લખીને કોઈ પોતાનો વ્યવહાર ચલાવવા ધારે તો હાલ પણ તેમ કરી શકે નહિ તો તે કાળની વાત તો થાય જ કયાંથી ? આવું મહાભારત કામ એ વિદ્વાને એકલા પોતાને માથે લેવાની મહાભારત હિમ્મત ચલાવી પણ આસપાસથી કાંઈ આશ્રય મળ્યો હોય અથવા શ્રમની કોઈ એ કદર કરી હોય એમ જણાતું નથી; અને અમે એમ ધારીએ છીએ કે એ કામ અટકી પડ્યું તેનું એક કારણ પણ એ જ હશે*[૧] તો પણ એ ખંતી વિદ્વાને પોતાનો ઉદ્યોગ છોડી દીધો નહિ, અને સઘળી મુશ્કેલીઓને પાર કરી પોતાના દેશને એક મોટો કોષ અર્પણ કીધો છે.

આવું અપૂર્વ સાહસ કઈ રાજની કે ધનાઢય ગૃહસ્થની મદદથી બહાર પડીને તેનું નામ કોષની સાથે જોડાયું હોય એમ બન્યું નથી. પરંતુ એ કે ગુજરાત પ્રાન્તને જ અર્પણ થયો છે ! અને 'જય જય ગરવી ગુજરાત’ એ પ્રજાને જાણીતી અને વ્હાલી કવિતાની લીંટી એ કોષના અર્પણ પત્ર ઉપર જળહળી રહી છે. ખરેખાત જ્યાંના વિદ્વાન પોતે પૈસાની સંકડામણમાં છતાં પણ–આવા સમર્થ ગ્રંથ જાતે પ્રસિદ્ધ કરવાની હિમ્મત આશ્રય વિના ચલાવે છે તે ગુજરાતનો ખરેખર જય જય જ છે. આ કોષ કવિના બારબાર વર્ષના પરિશ્રમનું, ઘણા બુદ્ધિ બળનું તથા અનુભવનું ફળ છે.


  1. *અમારી સન્નિધમાં કવિયે પોતાના કોઈ મિત્રને હસતાં હસતાં કરેલી વાત અમને સાંભરે છે. કવિ કહે મને એમ થાય છે કે હું મારા કોષની કિંમત હજાર કે દોઢ હજાર રૂપિયા રાખું એટલે સરકાર ફરજીયાત ત્રણ નકલ ખરીદે છે તેમાં મને ત્રણ ચાર હજાર તો મળે !