પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
3
સાઠીની પૂર્વની સ્થિતિ.

ધૂળ ઉપર પોતાથી વધારે શિખેલા છોકરાઓના જોડિયા થઈને સામાસામી બેસતા. મહેતાજીની અગાડી વલગણી ઉપર પાંચ પચ્ચીશ કોયડા લટકેલા રહેતા. રંગિત હાથા અને લાંબી લાંબી સાટોથી ઉત્પન્ન થતી શોભા છોકરાંના હૃદયમાં મહેતાજીની મહત્તાનો ઉદભવ કરતી. મહેતાજીના હાથમાં કોયડો અગર તેમની શક્તિદર્શક ચિન્હ પાતળી સોટી બિરાજી રહેતી. જરૂર વગર પણ એ સોટી હાલ્યાં કરતી અને એ હાલવાથી નજરબંદીની પેઠે છોકરાંઓની નજર પણ છૂપી છૂપી હાલતી ! સાધારણ માન્યતા જ એવી હતી કે 'સોટી વાગે ચમચમ, ને વિદ્યા આવે રમઝમ'જૂદું જૂદું ભણનાર અને જૂદી જૂદી ઉમ્મરના દરેક છોકરાના જૂદા જૂદા સૂરના ઘાંટાથી નિશાળમાં કાન પડ્યું સંભળાતું નહિ. છેક નવા અને જેમનાથી સારા પૈસા મળે એવા વિદ્યાર્થિઓ ખાસ મહેતાજીની પાસે થોડા દિવસ ઓટલીપર બેસતા. નાનાં છોકરાંને યાદ રાખવામાં મદદગાર થઈ પડે અને રમુજ પડે એવાં જોડકણાં કોઈ કોઈ વાર વપરાતાં. જેવાં કે

"બાવીઆકા બાવીઆ, ઘઉંની રોટલી ચાવીઆ, ”
" ઘઉંની રોટલી સુંવાળી, બાવી દુ ચુંવાળી.” વગેરે.

આવા આવા ટૂચકા આંકના નિરસ વિષયમાં સ્હેજ ચટણી રૂપ થઈ પડતા. શરૂવાતમાં પાટી ઉપર ગાર ચોપડી તેમાં એકડો બગડો લખીને તેને સુકવી દેતા જેથી છેક આરંભ કરનારને માત્ર અક્ષરના સુકાઈ ગએલા ખાડામાં વતરણું ફેરવી જવાનું જ રહેતું. આથી વાંકુંચૂકું ન જતાં નિયમસર વતરણું ઝાલતાં ને ફેરવતાં આવડતું. ત્યારબાદ ખડીથી રંગીને ધોળી કરેલી પાટી ઉપર ધૂળ કે ગેસાળી પાથરીને વતરણાવતી લખતા. અગાડી ભણેલા છોકરાઓ કાળી પાટી ઉપર અથવા ટીનના પતરા ઉપર પલાળેલી ખડીથી લેખણવતી લખતા. સવારના પહોરમાંથી નિશાળના અભ્યાસક્રમનો આરંભ થતો. મોડા થનાર છોકરાઓને તેડવાને મહોલ્લાવાર બબ્બે છોકરા જતા. સમજાવીને, ધમકાવીને, અને છેલ્લે ટાંગાટોળી કરીને પણ નિશાળે લઈ જતા ! બપોરે જમવાની છુટ્ટી મળતી. છુટ્ટી મળે તેની થોડીવાર પહેલાં છોકરાઓ લાંબી હારમાં મહેતાજી સામા ઉભા રહીને આંકનો મુખપાઠ લેતા.