પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
સાઠીનૂં વાઙ્ગમય

આ કોષ સંપૂર્ણ નથી. અને એના જેવો ગ્રંથ પ્રથમ પ્રયાસે સંપૂર્ણ થાય એ વાત જ અશકય છે; તો પણ જ્યારે મોટો મરાઠી કોષ રચાયો ત્યારે ઠામ ઠામ સરકાર તરફથી કેવી ખોળ ચાલી રહી હતી; પંડિતોની સભા શબ્દ પારખવાને અને તેના અર્થ નિર્માણ કરવાને કેવી બેશી રહી હતી; અને પ્રત્યેક શબ્દ કેટલા કેટલા હાથમાંથી ઘડાતો ઘડાતો આવી કોષકારની કલમમાંથી ઉતરતો હતો એ વાતનો જ્યારે વિચાર કરીએ, અને બીજા હાથ તરફ આ કોષકાર એકલે જ કોઈ વિદ્વાનની મદદ વિના કોઈ શ્રીમંતની હુંફ વિના અને જાતે શ્રીમંત ન છતાં આવા કામમાં મંડી રહ્યો અને સિદ્ધિને પામ્યો એ વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે એમ તો કહ્યા વિના નહિ ચાલે કે નર્મદાશંકરે ઘણો ઉદ્યોગ, વિદ્વતા અને સૂક્ષ્મ બુદ્ધિ આ ગ્રંથમાં દર્શાવી છે, અને આ ગ્રંથ રચી બધા ગુજરાતીઓને અત્યંત આભારી કીધા છે.*સમર્થ વિદ્વાન ડા. જોન્સને ઇગ્રેજી કોષ પ્રથમ લખી કેવી કીર્ત્તિ સંપાદન કરી હતી તે સઘળાંની જાણમાં છે. સ્વ. નર્મદનો પરિશ્રમ તેમ જ સંપાદન કરેલું ફળ–કોષ–કોઈ પણ રીતે ડા. જોન્સનના પરિશ્રમ અને ફળ કરતાં ઉતરતું નથી.

કવિનો કોષ થયા પછી બીજા એક બે કોષ નીકળ્યા છે પણ તેઓ કવિના ગ્રંથની સ્પર્ધા કરી શકે એવા નથી. એવા ગ્રંથોનું નમાલાપણું સહજ ઉપરચોટીઆ જોવાથી જ જણાઈ જશે.

મુંબાઈના એક રા. બાજીરાવ તાત્યારાવજી રણજીત એમણે સને ૧૮૭૧ માં સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ દર્શાવતો એક કોષ કાઢ્યો હતો.

ઈ. સ. ૧૮૭૯ સ્વ. છોટાલાલ સેવકરામે 'ગુજરાતી શબ્દ મૂળદર્શક કોષ' પ્રસિદ્ધ કરી પોતાના ઘણા વર્ષના શ્રમ અને ખંતનું પરિણામ પ્રજા સમક્ષ મૂક્યું હતું. એ ગ્રંથની તૈયારી ઘણાં વર્ષ પહોંચી હતી. 'બુક કમિટિ’ અને સમર્થ વિદ્વાન ડા. બ્યુલર તરફથી સૂચનાઓ મળી હતી અને તે પ્રમાણે વર્તવામાં પણ આવ્યું હતું. આ ગ્રંથમાં પહેલી હારમાં

    *નવલરામ.