પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
કોષ.

 સંસ્કૃત શબ્દો વર્ણાનુક્રમે આપી તેની સામાં તે શબ્દ ઉપરથી ઉત્પન્ન થયેલા ગુજરાતી શબ્દો આપ્યા છે. એ સંસ્કૃત શબ્દની વ્યુત્પત્તિ કોઈ ઠેકાણે સમજાવી છે અને કોઈ ઠેકાણે નથી એ સમજાવી. સંસ્કૃત શબ્દના અર્થ કોઈ જગાએ આપ્યા છે અને ઘણી જગાએ નથી એ આપ્યા. વ્યુત્પત્તિકારની કલ્પના કેટલે દરજ્જે ખરી છે તે સમજાય માટે જ્યાં જ્યાં સંસ્કૃત અને પ્રાકૃતના અર્થ જૂદા થતા હોય ત્યાં તો ખામુખા અર્થ આપવા જ જોઇએ. તેમ જ જે શબ્દો સંસ્કૃત વ્યાકરણના નિયમે બનાવી શકાય ખરા પણ તે ભાષામાં વપરાયલા જણાતા નહોઈ કેવળ સ્વકલ્પિત હોય ત્યાં એમ પણ ખુલ્લે જણાવવું જ જોઈએ કે વાંચનાર ઠગાય નહિ. સમગ્ર રીતે જોતાં આ કોષમાં કોઈ પણ શાસ્ત્રીય રચના નજર પડતી નથી. સંસ્કૃતનો પ્રચાર તે કાળે ઓછો હતો. તેમ જ એકલા સંસ્કૃત જ્ઞાનથી જ વ્યુત્પત્તિ નક્કી થઇ શકતી નથી. પ્રાકૃતનો અભ્યાસ તો તે કાળે હતો જ નહિ. આ ગ્રંથ ઉપરથી એટલું જ માત્ર જણાય છે કે તે કાળે પણ વ્યુત્પત્તિ જાણવાની ઉત્કંઠા હતી. એ ઉત્કંઠા એટલી તો તીવ્ર હતી કે જ્યાં ખરી વ્યુત્પત્તિ સમજાઈ ત્યાં તે અને ન સમજાઈ ત્યાં સ્વકલ્પિત ઉપજાવી પણ કાઢી છે ! खातवत्स ઉપરથી ખાબોચીઉં, ताम्रकूट ઉપરથી તંબાકુ, अफेनઉપરથી અફીણ, लड्डु ઉપરથી લૂંડો વગેરે વ્યુત્પત્તિ જોઇને વાંચનારને હસવું આવ્યા વગર રહેતું નથી ! આ ગ્રંથ જોઇને અમને કાઠીઆવાડનો એક સ્હેજ ટળીએલ મ્હેતાજી સાંભરી આવે છે. વ્યુત્પત્તિ શાસ્ત્રનું એનું જ્ઞાન એવું અગાધ હતું કે ગમે તે શબ્દની વ્યુત્પત્તિ એને ન આવડે એમ બને નહિ ! વાંચનારના વિનોદની ખાતર એની કહેલી 'ટપાલ' શબ્દની વ્યુત્પત્તિ અમે કહીશું. ટપ એટલે ઉતાવળથી અને આલ આપવું. ઉતાવળથી–તાકીદે કાગળ આપે તે ટપાલ !!

ઈ. સ. ૧૮૮૦ માં રા. પ્રભાકર રામચંદ્ર શાસ્ત્રી તરફથી 'અપભ્રષ્ટ શબ્દ પ્રકાશ' નામનો કોષ બહાર પડ્યો હતો. તેમનો આ પ્રયાસ સ્તુત્ય હતો. પણ પુસ્તકમાં કેટલીક જગાએ કલ્પનાનાં ઘોડા દોડાવ્યાં છે; છતાં આ પુસ્તકથી ભાષામાં એક ઉપયોગી ઉમેરો થયો છે.