પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
સાઠીનૂં વાઙ્ગમય.



તો અમુક છંદની ચાલ એટલું જ લખીને સંતોષ પામ્યા છે. આમ હોવાથી આ સાઠીમાં ગુજરાતી કવિતા છંદ અને વૃતમાં લખનારને પિંગળનું જ્ઞાન થવાને કશું સાધન હતું નહિ. સંસ્કૃતનું જ્ઞાન હોય અગર વૃજભાષામાં ચંચુ પ્રવેશ હોય તેને તો તે ભાષાઓમાંથી મદદ મળતી. પરંતુ એકલી ગુજરાતી જ જાણનારને કેવી વિટંબણા પડતી તે કવિ નર્મદની અડચણો જાણીને આપણે સમજી શકીએ છઈએ. સુરતના એક જદુરામે કવિને પ્રથમ ‘દોહરા’નું માપ શિખવ્યું હતું. આ જદુરામ છાપખાનામાં નોકર હતા; સ્વભાવે આનંદી અને વ્રજભાષાના અભ્યાસી હતા. પાછલા વખતમાં આંખે અંધ થયા હતા. અને ઘણીવાર હસતાં હસતાં કહેતા કે 'હું કવિનો ગુરૂ' છઉં, દોહરો કરતાં તો મેં શિખવ્યું હતું.' પિંગળનો અભ્યાસ કરવાને કવિને કેવાં કેવાં ફાંફાં મારવાં પડ્યાં હતાં તે કવિયે પોતે જ કોઈ જગાએ કહ્યું છે. પોતાને પડેલી અડચણ અને અગવડ ઉપરથી કવિને ગુજરાતિમાં પિંગળ લખવાનો વિચાર થયો. કવીશ્વર દલપતરામ તે અરસામાં પોતાનું પિંગળ બુદ્ધિપ્રકાશમાં છૂટક છૂટક છાપતા હતા. કવિયે પોતે ‘પિંગળપ્રવેશ’, ‘રસપ્રવેશ’ અને ‘નાયકાપ્રવેશ’ નામે નાના નાના ગ્રંથો લખ્યા છે. શરૂવાતમાં લખાયલા ગ્રંથો હોવાથી તેમને સંભારવા ઘટે છે. બાકી કવિની કીર્ત્તિ આ પુસ્તકો વડે નથી થઈ. રાજકોટના રહીશ કવિ હીરાચંદ કાનજીએ કવિના 'પ્રવેશો' ઉપર x[૧]હુમલો કર્યો હતો. કવિ હીરાચંદ વૃજભાષાનો અભ્યાસી હતો અને એણે ‘પિંગળાદર્શ’ નામનું પિંગળનું મોટું પુસ્તક લખ્યું હતું, ‘સુંદર શૃંગાર’ નામનો વૃજભાષાનો ગ્રંથ છપાવ્યો હતો, અને 'હીરાશૃંગાર' નામનો ગ્રંથ વૃજભાષામાં લખ્યો હતો. વૃજભાષામાં હોવાથી પાછલા ગ્રંથ ને માટે અત્રે બોલવાનું પ્રાપ્ત થતું નથી. હીરાચંદ દલપતરામને અને નર્મદને વગોવતા અને 'દલો’ અને ‘નરમો' કહીને જ વાત કરતા. એણે ‘મિથ્યાભિમાનમતખંડન ગ્રંથ’ એવા મોટા નામનું નાનું છપાનીયું છપાવી તેમાં વિવેક તજીને પેટભરીને ઉભરા કાઢ્યા છે !


  1. x

    અવિનિ પઠે લવિ થૈ કવિ, અલંકાર પરવેશ,
    રસ, પિંગળ પરવેશમાં, બૌ કાઢ્યા છે વેશ.
    મિથ્યાભિમાન મત ખંડન ગ્રંથ.