પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
સાઠીનૂં વાઙ્ગમય.

 પ્રયાસના ફળ તરીકે આ ગ્રંથનાં મોટાં મોટાં પુસ્તકો બહાર પડ્યાં છે. એ પુસ્તકની એકસો અને વીશ પાનાની અનુક્રમણિકા જ અમારા વાંચનારને એના વિસ્તારને ખ્યાલ આપશે.

અદ્‌ભૂત ચાતુર્યની અને અગાધ શ્રમની સાક્ષી આપનારાં દલપત પિંગળ અને રણપિંગળ વિષે કહી ગયા, તે બંને છંદશાસ્ત્રમાં જૂના વિચારની કોટિના ગ્રંથો છે. પરંતુ જે સાઠીનો હેવાલ આપવા અમે પ્રવૃત થયા છીએ તે નવા વિચારની–નવા સ્વતંત્ર વિચારની સાઠી છે, સાહિત્યમાં અને સંસારમાં એની વધતી ઓછી પ્રવૃત્તિ સર્વ દિશામાં જોવામાં આવે છે, અને તેની તે તે સ્થળે અમે નોંધ પણ લેતા આવ્યા છિયે. એ નવા વિચારનો પ્રકાશ સાઠીના અંત ભાગમાં બુદ્ધિપ્રકાશમાં છપાયલા "પદ્યરચનાના પ્રકાર" માં પહેલવહેલો દ્રષ્ટિ ખેંચે છે. આ ન્હાનો નિબંધ રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવની કલમથી લખાયલો છે. જૂના પ્રસ્થાનમાં છંદના બે જ વર્ગ પાડવામાં આવે છે, અક્ષરમેળ ને માત્રામેળ. તેને ઠેકાણે રા. કેશવલાલ ત્રણ વર્ગ પાડે છે, અક્ષરબંધ, રૂપબંધ અને માત્રાબંધ, પહેલા વર્ગના બે ભેદ એઓ ગણાવે છે:–સંધિ રહિત અને સંધિયુક્ત. આ ભેદ પૈકી સંધિરહિત ચરણના છંદ માત્ર વેદમાં વપરાયલા છે. વર્ત્તમાનકાળમાં આ છંદોનો ઝાઝો વપરાટ છે નહિ તેથી અમે તેને મૂકી દેઈશૂં. બીજા ભેદમાં કવિત પ્રકરણ આવે છે. તેમાં દરેક ચરણના આપો આપ સાત આઠ વિભાગ પડતા જણાય છે. એ વિભાગને રા. કેશવલાલ સંધિ નામ આપે છે. કવિતનો સંધિ ચાર અક્ષરનો બનેલો જોવામાં આવે છે. એના બધા સંધિ સરખા માપના છે. તેથી કવિત પ્રકરણ આવૃત્ત સંધિથી રચાયેલૂં છે એમ નિબંધકાર જણાવે છે. બીજો વર્ગ જે રૂપબંધ, તેનૂં બંધારણ લઘુ ગુરૂ રૂપને આધારે છે. નિબંધકાર આ વર્ગના છંદને બે ભાગમાં વહેંચી દે છે. અખંડ ને સખંડ, જે છંદના ચરણમાં યતિ એટલે વિરામ કોઈ સ્થળે હોય નહિ તે અખંડ. આ ભાગમાં અગિયારથી માંડી સત્તર રૂપ સૂધીના છંદો પ્રસિદ્ધ છે:–(૧૧) ઈંદ્રવજ્રા, ઉપેંદ્રવજ્રા, સ્વાગતા, રથોદ્ધતા, (૧૨) ઇંદ્રવંશા, વંશસ્થ, દ્રુતવિલંબિત, પ્રમિતાક્ષરા, (૧૩) મંજુભાષિણી, પ્રભા, પ્રભાવતી, રૂચિરા,