પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
ન્યાય અને દર્શન સંબંધ ગ્રંથો.

 ભાષા સરલ, શુદ્ધ અને રૂઢ છે. ‘કર્તવ્ય’ એ નામથી એ વિદ્વાનના બીજા ગ્રંથ ‘ડ્યૂટી’નો અનુવાદ સાક્ષર શ્રી કમળાશંકરે કર્યો છે. એમના પુસ્તકની બીજી આવૃત્તિ થઈ છે. આ આવૃત્તિ વધારે સારી અને સરલ થઈ છે. એ જ ગ્રંથકારના ત્રીજા ‘કેરેક્ટર’ નામના ગ્રંથનું ભાષાન્તર કરી સ્વ. બલસારેએ એને ‘સદ્વર્તન’ નામ આપ્યું હતું. સ્વ. મણિલાલે એ નામ ઉપર કેટલાક કટાક્ષ કર્યા હતા અને પોતે એ જ ગ્રંથના અમુક ભાગનું ભાષાન્તર કરી ‘ચારિત્ર્ય’ એ નામથી પોતાના માસિકમાં પ્રગટ કર્યું હતું. આ ત્રણે ગ્રંથ ગુજરાતી ભાષામાં એ જાતના ગ્રંથોમાં ઉચ્ચસ્થાન ભોગવે છે.

(૩) ન્યાય અને દર્શન સંબંધી ગ્રંથો:—

આ સાઠીમાં શ્રીમદ્ ભગવદ્‌ગીતાનાં સાત-આઠ જૂદાં જુદાં ભાષાન્તર થયાં છે. જૂદી જૂદી ટીકાઓનાં થએલાં આ ભાષાન્તરોને માટે અમે બીજા વિષયને અંગે બોલી ગયા છઈએ. જૂનું જાણવાની જીજ્ઞાસા હાલના સમયમાં ખાસ વધી છે અને ગુજરાતી પ્રજા સામાન્ય રીતે જૂના ધર્મ–ધર્મ પુસ્તકો તરફ વધારે વળવા લાગી છે. કેટલાક નવા પંથ, નવા મહાત્મા, નવા ભક્ત પેદા થવાથી લોકોના વિચારનો પ્રવાહ બદલાયો છે. વડોદરાવાળા શ્રીમન્નૃસિંહાચાર્યની અસરથી ઘણા કેળવણી લીધેલા અને ગ્રાજ્યુએટોના મનનું વળણુ જૂની બાબતો, જુનો ધર્મ એમની તરફ થયું છે. ધર્મ, તત્વજ્ઞાન વગેરેનાં કેટલાંક સારાં પુસ્તકો આવી અસરથી જન્મ્યાં છે.

શ્રીમન્નથુરામ શર્મા જેઓ પ્રથમ મ્હેતાજી હતા તેમની તેમજ તેમના શિષ્ય ગણાતા રા. વિશ્વનાથ સદારામ પાઠકની તરફથી વેદાન્તનાં કેટલાંક સારાં પુસ્તકો અસ્તિત્વમાં આવ્યાં છે. વિશ્વનાથના સુંદર પુસ્તક ‘નચિકેતાસુમનગુચ્છ’ ને માટે અમે કહી ગયા છઈએ.

ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી ‘દર્શનશાસ્ત્ર સંબધી ચર્ચા’ અને ‘પાતંજલ યોગદર્શન’ પ્રગટ થયા છે. સ્વ. મજમુદાર મણિશંકર કીકાણી ગ્રંથમાળામાં યોગ્ય ગ્રંથો પ્રગટ થયા છે. એ ગ્રંથમાળામાં છેલ્લો ગ્રંથ જાણીતા વિદ્વાન રા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીની