પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
કેળવણી, અને શિક્ષણશાસ્ત્ર

 ગૃહસ્થે ભાષાન્તર કર્યું છે. એક પારસી સન્નારીએ ‘લોર્ડ ચેસ્ટરફીલ્ડની પોતાના દિકરાને શીખામણ’ પણ ગુજરાતીમાં આણ્યું છે.

અમદાવાદના જૂના કાળના એક મેજીસ્ટ્રેટ, સુરતવાસી રા. રાજાભાઇએ પોતાની અનુભવી કલમે ‘લાંચ વિશે નિબંધ’ લખ્યો હતો. આ નિબંધે તે કાળમાં ઠીક કુતુહલ ઉપજાવ્યું હતું ! આ વિષયમાં એક પારસી લખનારનું ‘જીંદગી જોગવવાની જુક્તિ’ નામનું પુસ્તક, પારસી ગુજરાતી ભાષા છતાં પણ આવકાર આપવા યોગ્ય છે. આ પુસ્તક મૂળ સંસ્કૃતમાંથી ટીબેટની ભાષામાં, તેમાંથી ચીનાઈ ભાષામાં, તેમાંથી ઇંગ્રેજીમાં અને તેમાંથી પાછું એતદ્દેશીય ગુજરાતીમાં આવ્યું છે અને ઘણું મનોરંજક છે.

આ વિષયનાં નાનાં મોટાં બીજાં ઘણાં પુસ્તકો થયાં છે પણ બધાને અહિં સંભારવાનું પરવડતું નથી.

પ. કેળવણી અને શિક્ષણશાસ્ત્ર:—

શેઠ કેખુશરો હોરમજજી આલપાઇવાળાએ સને ૧૮૫૫ માં ‘મુંબાઈમાં દેશીઓની કેળવણી’ નામે નિબંધ લખ્યો હતો. સને ૧૮૭૯ માં મુંબાઈમાં ‘મુક્તાબોધ’ નામે કોઈ મુક્તાબાઇ નામની સન્નારીએ લખેલા દેશી સ્ત્રીઓની નીતિ અને કેળવણી સંબંધી પત્રો પ્રગટ થયા હતા. રા. ગણપતરામ ત્રવાડીની ‘મીઠી મીઠી વાતો’ ના નાના પુસ્તકને પણ અમે આ કોટીમાં જ મુકીએ છઈએ. નીતિનો રસદ્વારા બોધ કરવાને સારૂ મીસ એજવર્થ નામની સન્નારીએ લખેલા ઇંગ્રેજી પુસ્તકનું આ સુંદર રૂપાંતર છે. આ ભાષાન્તર બરાબર રસાનુસારી જ છે, અને તે એટલે દરજ્જે કે જો એ વાત એમણે પ્રસ્તાવનામાં સૂચવી નહોત તે અજાણ્યા વાંચનારને કદી પણ એમ ન લાગત કે આ વાર્ત્તાઓ મૂળે ઇંગ્રેજીમાંથી લીધેલી છે. ભાષા અતિશય સંભાળયુક્ત સરળતા, શુદ્ધિ અને રૂઢિથી જ રચાયલી છે.

ખાસ કેળવણીના ધંધાને લગતાં પુસ્તકો તો સરકાર તરફથી જ પોતાની નિશાળોના ઉપયોગ સારૂ લખાયાં છે. ‘કેળવણી પ્રકાર અને નિશાળ પદ્ધતિ’ અને ‘શિક્ષા પદ્ધતિ’ નામના ગ્રંથો સ્વ. મહાપતરામે