પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
સાઠીનૂં વાઙ્ગમય.

 અંગ્રેજી ઉપરથી લખ્યા છે. આ પુસ્તકો સરકારી ટ્રેનિંગ કોલેજોમાં શીખવાય છે. સ્વ. નવલરામે પોતાના શિષ્યો સારૂ તૈયાર કરેલી પોતાનાં વ્યાખ્યાનોની નોંધ શાળાપત્રમાં છપાઈ છે. આ નોંધ બહુ વિસ્તારવાળું નહિ પણ સમર્થ પુસ્તક બન્યું છે. કેળવણીના ફાયદા બતાવતું ‘વિદ્યાબોધ’ નામનું નાનું પુસ્તક સ્વ. કવીશ્વરે લખ્યું હતું.

રા. બુલાખીદાસ ગંગાદાસે ‘હર્બર્ટસ્પેન્સરના એજ્યુકેશન’ નામના મહાગંભિર પુસ્તકનું ભાષાન્તર ‘કેળવણી’ એ નામથી કર્યું છે. સ્પેન્સર જેવા સર્વોત્તમ ફીલસુફના મનની, નીતિની અને શરીરની કેળવણી સંબધી ઉમદા વિચારો જાણવાની ગુજરાતી વાંચનારને આ પુસ્તકથી તક મળી છે. આ પુસ્તક એ ભાઈએ અસાધારણ કાળજીથી કર્યું છે એમ એની પ્રત્યેક લીંટીથી જણાય છે. સ્પેન્સર જેવા તત્ત્વવેત્તાની ગૂઢ વિચારો ભરેલી વાણી ભાષાન્તર કર્તાએ તેનું ગાંભિર્ય કે યથાર્થતા કાંઈ પણ જવા ન દેતાં એવી તો સરળ, શુદ્ધ અને રૂઢ ગુજરાતીમાં ફતેહમંદીની સાથે ઉતારી છે કે આપણને સાનંદાશ્ચર્ય થાય છે. વાંચનારને આ પુસ્તક ન સમજાય તે તેમની સામાન્ય કેળવણીનો જ વાંક.

આ સાઠીમાં આ કોટિનો એક ‘શિક્ષણનો ઇતિહાસ’ નામે સમર્થ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. વડોદરાના કલાભવનના માજી પ્રિન્સિપાલ રા. મણિશંક૨ ૨. ભટે, શ્રી મન્મહારાજા ગાયકવાડ સયાજીરાવે સ્થાપિત કરેલી ‘શ્રી સયાજી જ્ઞાન મંજુષા’ ને સારૂ આ ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથમાં આર્યાવર્ત, ગ્રીસ, રોમ, ચીન, ઈજીપ્ત, ઈઝરાયલ, અર્બસ્તાન, યુરોપ, ઈત્યાદિ દેશોમાં શિક્ષણ જે પ્રકારે ચાલેલું, શિક્ષણ શાસ્ત્રીઓએ તે તે દેશોમાં જે જે ઉદ્દેશો ઉપજાવેલા અને જે જે યોજનાઓના માર્ગ સૂચવેલા, તેનો સારો સંગ્રહ થયો છે. વિષયને અનુકુળ સાદી ભાષામાં લખાયલો આ ગ્રંથ દરેકને વાંચવા યોગ્ય છે.

આ શીવાય કેળવણી સંબંધી બીજા ગ્રંથો પ્રગટ થયા જણાતા નથી. આ અગત્યના વિષય તરફ ગુજરાતી લેખકોનું વલણું જણાતું નથી એ દૂર્દૈવ જ છે.