પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાઠીની પૂર્વની સ્થિતિ.

ધનતેરસના દિવસ પહેલાં મહેતાજી બધા છોકરાની પાટીઓ એકઠી કરતા અને ચિતારા પાસે પાટી ઉપર સરસ્વતી, ગણપતિ, વાઘ, અગર કમળનાં રંગિત ચિત્ર પડાવતા. છોકરાદીઠ બે ત્રણ પૈસા લઈને ધનતેરસને દહાડે પાટી પાછી આપતા. નિશાળો નિશાળોમાં સ્પર્ધા હતી. એક નિશાળના નિશાળીઆ બીજીનાને મળતા ત્યારે સામા મહેતાજીનું નામ દઈને મશ્કરી ભરી જોડકણાં જેવી કવિતા બોલતા, પોતપોતાના મહેતાજીની વિદ્યા વખાણતા અને વખતે મારામારીએ કરતા. પોતાની નિશાળને માટે બધાના મનમાં મમત્વ હતું. પિતા પુત્ર અને પૌત્ર પણ એની એ જ નિશાળે ભણેલા મળી આવતા. હાલ જેમ સ્હેજ કારણસર વલોણા વારે નિશાળો બદલાય છે તેમ તે વખતે નહોતું બનતું. હાલ જેમ ગુરૂભાવ પચ્ચીસ અથવા એથીએ વધારે શિક્ષકોમાં વહેંચાઈ જવાથી સમુળગો રહેતો નથી તેમ તે વખતે નહોતું. મારી નિશાળ, અને મારા મહેતાજી એવી લાગણી સાધારણ રીતે સર્વત્ર હતી. અથડાતે કુટાતે અમુક વર્ષે આંક, નામું, ગણિતનાં મૂળતત્વો જેવી બાબતોમાં પાવરધા થઈને નિશાળેથી ઉઠતા. ગામઠી નિશાળોમાં લેખનકળા ઉપર વિશેષ ધ્યાન અપાતું. છોકરાઓ શિયાળામાં સવારના પહોરમાં ઉઠીને દોપિસ્તાં ઘુંટતા, શિયાળાની ટાઢ, વહેલું ઉઠવું ને તેમાંએ વળી કેટલીક વખત તો ટહાડા પાણીમાં હાથ બોળીને પછી લખવું. આથી હાથ ઘણો ઠરતો અને અક્ષર સારા મરોડદાર થતા. હાલ અક્ષરના મરોડવાર ભાગ પાડી નાંખીને જૂદી જૂદી જાતની લેખનકળાની ચોપડીઓ–કોપીઓ–લખ્યા છતાં પણ ઘણાના અક્ષર મંકોડાના પગ જેવા હોય છે તેમ પહેલાં ઘણે ભાગે નહોતું. છેક પચ્ચીસ ત્રીશ વર્ષ પહેલાં અમદાવાદની પહેલા નંબરની–તૂલજારામ મહેતાજીની–સરકારી ગૂજરાતી નિશાળના એક શિક્ષક રામશંકર એમના છાપેલા જેવા અને મરોડદાર અક્ષરને માટે પ્રસિદ્ધ હતા. પ્રથમ આ આપણો કેળવણીનો ક્રમ હતો. નિશાળેથી ઉઠ્યા પછી અમુક ધંધે લાગવાની જ જરૂર હતી.

કેળવણીની બાબત ઉપર ધોરણ રાખીને લોકોના (૧) પંડિત અને વિદ્વાન, (૨) બહુશ્રુત, (૩) સાધારણ અને (૪) તે સિવાયના, એવા મનસ્વી વર્ગ પાડીશું.