પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
સંગીત.

 કર્યું હતું. તેમાં સાદી અને રમુજી ભાષામાં ‘બાજીગર,’ ‘જાદુગર,’ ‘કિમિયાગર,’ ‘વાદી’ વગેરેનાં ભોપાળાં ઠીક કહાડ્યાં છે. એ પુસ્તકે પ્રગટ થતાં સારો ખળભળાટ મચાવ્યો હતો. ઈચ્છાશંકર પોતે પ્રથમ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં કારકુનની નોકરીપર હતા. પછવાડેથી એમણે જાદુના ખેલ કરવામાં અને કથા કહેવામાં સારૂં વિત્ત અને આબરૂ સંપાદન કર્યાં હતાં. એમના જાદુના ખેલ બહુ આનંદદાયક થઈ પડતા. એઓ ખેલ કરી રહ્યા પછી અગર શરૂઆતમાં નાનું ભાષણ કરી જાદુના ખેલના ખોટારા વિષે–એ બધું જાદુ નહિ પણ હાથ ચાલાકી છે એવું ભાષણ કરતા. કેળવણી પામેલા અને બીજાઓ એમને જૂદે જૂદે ઉદ્દેશે મદદ આપતા. પોતાના પુસ્તકના બીજા બે ભાગ એમણે બીજાં પાંચ છ વર્ષ પછી કાઢ્યા હતા. એમનું જોઈને બે એક પારસીઓએ પણ ‘જાદુ ચરિત્ર પ્રકાશ’ અને ‘જમશેદી તીલસમ’ નામનાં પુસ્તકો ૧૮૭૩–૭૪ માં પ્રગટ કર્યાં હતાં. પરંતુ ઈચ્છાશંકરનાં પુસ્તકોને ભુલાવે એવું કાંઈ આ વિષયમાં પ્રગટ થયું નથી.

૧૫ સંગીત:—

આ મનોરંજક વિષયનાં સંસ્કૃત પુસ્તકોનાં ઝાઝાં ભાષાન્તરો થયાં જણાતાં નથી (શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી સંગીત પારિજાતનું ભાષાન્તર થયું છે તે શિવાય ) પચ્ચીશ ત્રીસ વર્ષની પૂર્વે લોકોની અભિરૂચી હાથનાં વાજાં–કાન્સર્ટીના–તરફ વિશેષ હતી; તેવામાં ‘કોન્સર્ટીનાની ચાવી’ ‘કોન્સર્ટીનાનો ભોમીઓ’ વગેરે નાનાં પુસ્તકો નીકળ્યાં હતાં. કોન્સર્ટીનાના શોખના મરણની જોડે આવાં પુસ્તકોનો પણ અવસાન કાળ આવી ગયો છે.

મી. કાબરાજીએ દેશી સંગીત ખીલવવાને સારો પ્રયત્ન કર્યો હતો. એઓ એમના વ્યાખ્યાનોમાં અને રાસ્ત ગોફતરમાં લખેલા સંગીત વિશે લેખોમાં સંગીતના સંસ્કૃત પુસ્તકના ઉતારા વખતે આપતા અને એ સંસ્કૃત ગ્રંથનાં ઇંગ્રેજી ભાષાન્તરના ઈસારા કરતા. પણ દેશી સંગીત શાસ્ત્રનું કોઈ પુસ્તક લખાયું હોય એમ જણાતું નથી.