પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
સાઠીનૂં વાઙ્ગમય.

 વડોદરાવાળા પ્રો. મૌલાબક્ષે દેશી સંગીતના ઉદ્ધાર અર્થે સારો પ્રયાસ કર્યો હતો. એમની તરફથી સંગીત લખવાની રીત ખોળી કાઢવાનો ઠીક યત્ન થયો હતો. તથાપિ ગુજરાતી સાહિત્યમાં એ ચોપડીઓ પ્રવેશ થવા પામી હોય એવું અમારી જાણમાં નથી. એ વિદ્વાન પ્રોફેસરના દીકરા મી. પઠાણ વિલાયત જઈને ઇંગ્રેજી મ્યુઝિકની ઉંચી ડીગ્રીઓ સંપાદન કરી આવ્યા છે. પણ તેમની તરફથી પણ કાંઈ લખાયું જાણવામાં નથી.

થોડાં વર્ષ અગાઉ ‘તાળચક્ર’ નામે ‘તાલશાસ્ત્ર’નું નાનું પુસ્તક પ્રગટ થયું હતું. કાઠીઆવાડના જામનગર નિવાસી પ્રખ્યાત તાલશાસ્ત્રી સ્વ. આદિતરામજીએ રાગ અને તાળ પ્રકરણનો ‘સંગીતાદિત્ય’ નામે સુંદર ગ્રંથ ભાષામાં ઉમેર્યો હતો. એક મદ્રાસી ગૃહસ્થ રા. મિનાપ્પાએ પણ નવાં સ્વરચિન્હ કલ્પીને ગાયન લખાય એવી સુગમતા કરી છે. રા. મિનાપ્પાનો ગ્રંથ વિદ્વત્તા ભરેલો છે. અમારા જાણવા પ્રમાણે એમણે વડોદરાની સંગીતશાળામાં અભ્યાસ કરેલો છે. એજ સંસ્થામાંથી સંગીત શીખનાર રા. બર્વે એ વિષય ઉપર છૂટા છવાયા લેખો લખે છે, પણ તેમનો કોઈ ગ્રંથ જાણવામાં નથી. દેશી સંગીતની હાલની સ્થિતિ બહુ શોકજનક છે. નીચ પેશો કરનાર સ્ત્રીઓ અને વગર કેળવાયલા અજ્ઞાન ગાયકો હાલમાં આ દિવ્ય કળાનાં આચાર્યપદ ભોગવે છે. દેશી સંગીતની સ્થિતિ આવી શોકજનક છે. આવી વસ્તુસ્થિતિમાં એ વિષયના સાહિત્યનું પણ બાઢમ્ હોય એ સ્વાભાવિક જ છે.


પ્રકરણ ૯.

જૈન સાહિત્ય.

છેલ્લી સાઠીમાં પ્રસિદ્ધ થયેલા જૈન ગ્રંથોમાં ઘણા ખરા તો જુના વખતમાં લખાયેલા ગ્રંથોના મૂળ કે ભાષાન્તરો જ છે. સ્વતંત્ર ગ્રંથો એટલે આ સાઠીમાં રચાએલા મૂળ ગ્રંથો તો ઘણાજ થોડા છે. તથાપિ તે પ્રમાણે પણુ ગ્રંથ પ્રકાશનનું જે કાર્ય થયું છે તે ઘણું થયું છે એમ ગણવા જેવું છે.