પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
સાઠીનૂં વાઙ્‌ગમય.

કેસર વિજયજી તરફથી છપાયેલ ભાષાન્તર ફક્ત મુલનું જ છે. ટીકામાંથી થોડો વિવરો લેવામાં આવેલ છે. આ ગ્રન્થ સટીકનું તમામ ભાષાન્તર થવાની ખાસ જરૂર છે.

શાન્તિનાથ ચરિત્ર આ ગ્રન્થનાં જૈનોના ૧૬ મા તિર્થંકરનું ચરિત્ર છે તેમાં જીવ દયા ઉપર લખાણ અવશ્યે વાંચવા યોગ્ય છે.

આર્ષ વ્યાકરણ આ ગ્રન્થ માગધી વ્યાકરણનો છે અને તેમાં ડોક્ટર હોરનેલની પ્રસ્તાવના ઘણી જ સારી છે. આ પ્રસ્તાવનાનું ખંડન પ્રોફેસર ભંડારકરે બોમ્બે બ્રેન્ચ રોયલ એસીયાટીક સોસાઈટીના જરનલમાં કરેલ છે.

ષડ્ દર્શન સમુચ્ચય આ ગ્રન્થ ન્યાયનો છે. મુલ કર્તા હરિભદ્રસૂરિ છે. તેમાં જૈન દર્શનનું મંડન છે તથા અન્ય દર્શનો યુક્તિસર નથી એમ બતાવી આપેલ છે. આ ગ્રન્થ સટીક ડોક્ટર સ્યુએલી સંશોધિત કરે છે.

સમરાઇચ્ચ કહા આ ગ્રન્થ મૂલ માગધીમાં છે. તે હરિભદ્ર સૂરિનો કરેલ છે. તેમાં સમરાદિત્ય નામના કેવલીના નવભવનું વર્ણન છે. આ ગ્રન્થ ક્રોધના ત્યાગ ઉપર છે અને એટલી બધી ખુબીથી લખાય છે કે તે વાંચ્યા સિવાય તેનું વર્ણન આપી શકાય તેમ નથી. પ્રોફેસર જેકોબી આ ગ્રન્થ સંશોધિત કરે છે.

જૈન સાહિત્યના મુખ્ય ગ્રન્થો તત્વજ્ઞાનના, ચરિત્રોના, ગણિત સંબંધીના તથા આચાર વિચારના ગ્રંથો (દ્રવ્યાનુયોગ, ચરિત્રાનુયોગ, ગણિતાનું યોગ, ને ચરણ કરણાનું યોગ ) છે. ચરિત્રો સંબંધી ગ્રંથોને ઘણોખરો ભાગ રાસરૂપે છે અને છપાયેલ છે. ફીલસુફીના ગ્રંથો ઉપર જોઇએ તેવું ધ્યાન અપાતું નથી. તે વિષય કઠીણ હોવાને લીધે અને તે ગ્રન્થની ખપત પણ ઓછી હોવાને લીધે તે ગ્રન્થો છપાતા નથી. તેવા ગ્રન્થો છાપવામાં મર્હુમ ભીમસી માણેકે ઘણોજ પ્રયત્ન કરેલ છે.

જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફિસ તરફથી છપાયેલ જૈન સાહિત્યના લીસ્ટમાં કર્મ ગ્રન્થ સંબંધીના તથા અધ્યાત્મ વિષયક જે જે ગ્રન્થો આપેલ છે તે તમામ ગ્રન્થો એકઠા કરી તાકિદે છાપવાની ખાસ અગત્યના છે.