પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાઠીની પૂર્વની સ્થિતિ.

સહૃદય સુરતીઓને વશવર્ત્તી કરી લઈ સર્વત્ર વિજય પ્રાપ્ત કર્યો હતો. સિમંત વખતે મામેરૂં કહેવડાવવાનો રિવાજ સાધારણ હતો અને હાલ પણ છે. ઘરને હાંડી તકતાથી શણગારી, રાત્રે સગાંવહાલાં અને નાતની સ્ત્રીઓ એકઠી થાય છે. સારી ઉંચી ગાદી ઉપર ધોળી દૂધ જેવી ચાદર બિછાવી તેના ઉપર ધેણને ઘરેણેગાંઠે શણગારી, માંડણ કરી, હાર કલગી આપીને બેસારવામાં આવે છે. નાતનાત પરત્વે મામેરૂં ગાનારીઓ ગવરાવે અને બધી સ્ત્રીઓ ઝીલે છે. આ પ્રમાણે અક્ષરે અક્ષર છૂટો પાડીને ગાતી નાગરાણીઓથી માંડીને, અડધું ગામડીઆ જેવું હુંહાં બોલતી બ્રાહ્મણીઓ, કાલું કાલું બોલતી વાણીઅણો અને અશુદ્ધ મગ અડદ ભરડતી બોલતી ઘાંચણો તેમજ બીજી એવી જાતો “સુણી સીરંગ મેતો આઈવા ધાઇ” કરીને મામેરૂં ગાય છે. મા વગરની દિકરીની સ્થિતિ, ગરીબ બાપની મુંઝવણ, સાસરીઆંના આક્ષેપો અને નાતજાતનાં વ્યંગ બોલવાં સાંભળતાં પ્રેમાનંદના કાવ્યરસમાં ઝીલે છે. એના રસે અસંખ્યાત ઘેણોને ધ્રૂસકે ધ્રૂસકે રડાવી તેમનાં ગાલ પરનાં માંડણો આંસુવડે ધોવરાવ્યાં હશે. નરસૈં મહેતાનાં પ્રભાતિયાં અને ઉપદેશનાં પદોના લલકાર સવારમાં સંભળાતા. ભાલણ કવિના દશમમાંથી દાણલીલાનાં પદ ‘ગોવાળીઆ’ને નામે સુરત તરફ ઘણાં ગવાતાં, સ્ત્રીઓ મીરાંબાઈની ગરબીઓ અને પદો ગાતી અને પાછલા કાળમાં ચાણોદ કરનાળી, વડોદરા અને બીજાં શહેરોમાં દયા પ્રિતમના કા’નની બંશી વાગી રહી હતી. દયારામની ગરબીઓ ગરબે ઘણી ગવાતી. નવરાત્રિના દિવસોમાં જ્યાં જ્યાં પુરૂષોએ માંડવીએ ગાવાનો રીવાજ હતો ત્યાં વલ્લભના મરદાની ગરબાના પડઘા પડી રહેતા. પુરુષોનો અવાજ, જુસ્સાભર્યા થેકડા અને તાલની જમાવટથી ઠીક ઠાઠ થતો. ઇ. સ. નો અઢારમો સૈકો ભગત કવિયોથી ઉભરાઈ ગયો હતો. ફલાણા ભગત અને ફલાણા ભગત એમના રાગડાથી ગુજરાત ગાજી રહ્યું હતું. ડાકોરના રણછોડજીની મંડળીઓ, જાત્રાના સંઘ અને ભગતનાં મંદિરની મંડળીઓની બેઠકો આવી કવિતાના બજાર હતાં. શ્રદ્ધાળુ લોકો એક બીજા પાસેથી હગમરટપર અક્ષરોમાં આવી કવિતા લખી લેતા. ભજનો પણ શ્રોતા વક્તાની જાત અને