પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
સાઠીનૂં વાઙ્ગમય.

આત્માનંદ પ્રકાશ નામનું માસિક પ્રકટ થવા લાગ્યું છે. તેમાં પણ સમયાનુકુળ સારા વિષયો આવે છે. જૈન ધર્મપ્રસારક સભાના જમણા હાથ જેવા વકીલ મૂળચંદ નથુભાઇ જેવા ઉત્સાહી ગૃહસ્થની આગેવાની નીચે પ્રકટ થયેલા એ પત્રે પણ જૈન ધર્મપ્રકાશને થયેલી સૂચના લક્ષમાં લેવાની છે.

૪. જૈન કોન્ફરન્સ હૈરલ્ડ એ નામનું એક માસિક શ્વેતાંબર (મૂર્તિપૂજક) જૈનકોન્ફરન્સ ઓફિસ તરફથી મુંબઈમાં પ્રસિદ્ધ થાય છે. પાંચેક વર્ષનું એ બાળક થયું છે. એ પત્રમાં હમણાં કંઈક ઠીક લેખો આવે છે. કોન્ફરન્સ તરફથી એ પત્ર નીકળતું હોવાથી તેણે વધારે ઉત્સાહથી, નિયમિતતાથી અને બીજા જૈન માસિકોને અનુકરણ કરવાની તક મળે એવી રીતે પ્રકટ થવું જોઈએ. બીજી કોમોની પેઠે જૈન કોમના ત્રણે ફીરકાઓની કોન્ફરન્સ ભરાવા લાગી છે તેના પરિણામે આ પત્રનો પ્રાદુર્ભાવ થયો છે. ત્રણે કોન્ફરન્સો અરસપરસ ભેળાઈ એક એકત્ર જૈન પ્રજા બનાવવાનું કર્તવ્ય ભૂલી જાય છે. તેમ તે દરેક ફીરકાનાં વાજીંત્રો પણ એકત્ર જૈન પ્રજા બનાવવાનું કાર્ય કરવાનો પ્રયાસ કરતાં નથી.

૫. આનંદ નામનું માસિક પત્ર પાલીતાણા જૈન વિદ્યા પ્રસારકવર્ગ તરફથી પ્રથમ પાલિતાણામાં પ્રકટ થયેલું હાલ ભાવનગરમાં પ્રકટ થાય છે. પંડિત લાલન તથા શીવજીના લેખો પણ બીજા શાસ્ત્રીઓના લેખો સાથે તેમાં પ્રકટ થતા જોઈ લેવાય છે. શ્રાવકસંસાર, દીક્ષાકુમારી વગેરે લેખોવડે તેણે સાધુ શ્રાવકવર્ગને કંઈક જાગૃતિમાં આણ્યા છે. સાધુ વર્ગનું કોઈ નામ લઈ શકતું નહોતું તે તેણે પરોક્ષે ને કેટલીકવાર પ્રત્યક્ષે યોગ્ય શીખામણના રૂપમાં સાધુ વર્ગને પણ જાગૃત કર્યો છે.

૬. જૈન પતાકા નામનું એક માસિક પ્રથમ અમદાવાદ અને પછી કાશીથી પ્રકટ થતું હતું તે સં. ૧૯૬૩ થી શરૂ થયું છે. મુંબાઈમાં તેણે થોડો વખત પોતાની પતાકા ફરકાવવા માંડી હતી. પણ તે અનિયમિતપણે પ્રકટ થાય છે ને તેથી તે હાલ જીવતું છે કે મરી ગયું છે તે કંઈ કહી શકાતું નથી.