પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
સાઠીનૂં વાઙ્‌ગમય.

નહતો. એણે ઈંગ્લાંડ ગયા પછી વર્ત્તમાનપત્રોમાં બહુ ચર્ચા કરી, પોતે વર્ત્તમાનપત્ર કાઢ્યું અને હિંદુસ્થાનના વહીવટને ખુબ વગોવ્યો. એ પોતે પાર્લામેન્ટનો સભાસદ ચુંટાયો ત્યારે ત્યાં પણ તોફાન મચાવ્યું. છેવટે કંપનીએ એને પેનશન આપીને છાનો રાખ્યો ! મી. એડમે કરેલા વર્ત્તમાનપત્રના નિયમો છેક લોર્ડ બેંટીકના વખત સુધી અમલમાં હતા. આ રાજનીતિજ્ઞ પુરુષે વર્ત્તમાનપત્ર ઉપરના જાપતા છેક જ કમી કરી નાંખ્યા. વર્ત્તમાનપત્રો એમના ઉપર ગાળોના વર્ષાદ વર્ષાવતાં હોવા છતાં પણ એઓ ખામોશ રાખતા અને કહેતા કે મારા કાન સુધી ન આવે એવી ઘણી બાબતો આમ વર્ત્તમાનપત્રને લીધે જ હું જાણી શકું છું. મી. એડમના નિયમો કાયદા તરીકે અમલમાં છતાં વર્ત્તમાનપત્રો વસ્તુતઃ સ્વતંત્ર હતાં. પછી લોર્ડ મેટકાફે આ નિયમોને રદ કર્યા હતા. વર્ત્તમાનપત્રોને આમ સ્વતંત્રતા આપવામાં આવી તે રાજકર્ત્તા વર્ગમાંથી કોઈને ગમ્યું નહોતું. લોર્ડ મેટાકાફને પણ પરોક્ષ રીતે સોસવું પડ્યું હતું. આ વાંક બદલ આ મહાન પુરુષને ગવર્નર જનરલ તરીકે કામ કરવામાં નહોતો આવ્યો. આ પ્રમાણે માર્કિવસ હેસ્ટીંગ્સના વખત સુધી દુઃખના દીવસો ભોગવી તેમના વખતમાં વર્ત્તમાનપત્રોને સ્વતંત્રતા મળી હતી. આ જાપતાના નિયમો રદ થવાથી માત્ર એંગ્લો ઈન્ડિયન વર્ત્તમાનપત્રોને લાભ થયો એમ નહીં પણ એનાથી એક બીજો અમુલ્ય લાભ થયો હતો. જાપતાને અભાવે દેશી વર્ત્તમાનપત્રો અસ્તિત્વમાં આવ્યાં.

બંગાળામાં સીરામપોરના ખ્રિસ્તિ ધર્મ ગુરૂઓ મેસર્સ લોર્ડ, કેરી અને માર્શમેન એમણે પહેલવહેલું દેશી વર્ત્તમાનપત્ર પ્રસિદ્ધ કર્યું હતું. આ દેશ હિતેચ્છુઓને ખબર હતી કે કંપની સરકારના નોકરોની વર્ત્તમાનપત્રો ઉપર કરડી નજર હતી. તેમની ઈચ્છા અમલદાર વર્ગને ગુસ્સે કરવાની ન હતી; લોકની સુધારણા અને ધર્મના ફેલાવાને માટે તેમ જ બીજી કેવળ પારમાર્થિક વૃત્તિથી તેમણે આ કામ ઉઠાવ્યું હતું. એક પખવાડીઆ સુધી ઇંગ્રેજી વર્ત્તમાનપત્રોમાં જાહેર ખબરો આપ્યા પછી તેમણે સને ૧૮૧૮ ના મે માસની ૩૧ મી તારીખે આ પહેલવહેલું દેશી વર્ત્તમાનપત્ર કાઢ્યું.