પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯
સામયિક પત્રો અને છાપખાનાં.

ડા. માર્શમેન જણાવે છે તેમ ડા. કેરી ચોવીશ વર્ષ સુધી જોહુકમ અને અણવિશ્વાસુ રાજ્યમાં રહેલા હોવાથી તેમને આ પગલું ભરતાં બહુ જ ભય લાગ્યો હતો. એઓ જાણતા હતા કે લોર્ડ હેસ્ટિંગ્સની રાજ્યનીતિ જૂદી હતી. પણ દેશીઓમાં વર્ત્તમાનપત્ર જેવી સંસ્થા દાખલ થવા દેવા જેવું સાહસ આપણે ન કરવું એવું એમનું ધારવું હતું. ઉલટું વર્ત્તમાનપત્રને લીધે સીરામપોરના પાદરીઓ અને અમલદાર વર્ગ વચ્ચે મીનાકેસો ઉત્પન્ન થશે એમ એમનું માનવું હતું. ધર્મગુરૂઓની અઠવાડીએ અઠવાડીએ મળતી સભામાં ડા. કેરીએ આ પત્ર કાઢવા સંબંધમાં ઘણો વાંધો લીધો હતા. પણ તેમને ડો. માર્શમેને આપણે છાપતાં પહેલાં સરકારમાં બતાવીશું અને લગીરે વાંધો લેશે તો પછી બંધ રાખશું વગેરે કહીને ટાઢા પાડીને સંતોષ્યા હતા.

પરંતુ આ પરમાર્થ ધર્મગુરૂઓની બ્હીક ખોટી ઠરી. લોર્ડ હેસ્ટિંગ્સઆ પત્ર બ્હાર પડતી વખત કલકત્તા નહોતા, પણ તેમના કાઉન્સીલરોએ કશો વાંધો ઉઠાવ્યો નહિ. કેટલાક મહિના બાદ જ્યારે એઓ કલકત્તે પધાર્યા ત્યારે ડા. માર્શમેને એમને પોતાના વર્ત્તમાનપત્રની નકલ મોકલી અને એના સ્તુત્ય હેતુને લીધે ઓછે ટપાલ ખર્ચે મોકલી શકાય એવી કૃપા કરવા વિનંતી કરી. જવાબમાં લોર્ડ હસ્ટિંગ્સે એવા વર્ત્તમાનપત્રના લાભ ગણાવ્યા, બીજી કેટલીક વાજબી સૂચના કરી અને ડો. માર્શમેનની માગણી મુજબ સાધારણ દર કરતાં એક ચતુર્થાંશ દરથી ટપાલમાં લઈ જવાને હુકમ કર્યો. ખરું જોતાં આ ‘સમાચાર દર્પણ’ શુદ્ધ દેશી વર્તમાનપત્ર ન ગણાય, કેમકે દેશી ભાષામાં લખાતું હતું અને હિંદુસ્થાનમાં છપાતું હતું છતાં યુરોપિયન ગૃહસ્થો તરફથી લખાતું હતું.

બાબુ રામમોહન રાયની તરફથી સંસાર સુધારાની હિમાયત કરનારૂં ‘સંગબાદ કૌમુદી’ નામનું વર્ત્તમાનપત્ર હિંદુસ્થાનમાં સૌથી પહેલું ખરેખરૂં દેશી વર્ત્તમાનપત્ર કહેવાય.

બંગાળામાં પહેલું વર્ત્તમાનપત્ર ‘સંગબાદ કૌમુદી’ પ્રગટ થયા પછી થોડા મહીના બાદ આપણી તરફ એટલે મુંબાઈમાં પહેલું અને