પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

વિદ્વતા જેવાં જ લખાતાં. એક કણબી ભગતનું “મનખા સરખું મલાર ખેતર સાચવી ના જાણ્યું રે” એ ભજન અને કોળીઓનું “ઝાડે ચઢીને કાકો રામજી બેઠા ને હેઠે બેઠાં તે ફઈ સીતા” જેવાં હાસ્યાસ્પદ ભજનો ગાનારાના મનની ઉંડાઇ બતાવી આપે છે ! કેટલાક વેદાંતી કવિયોની કવિતા પણ ઘણી પ્રસરેલી હતી. વિષય એક જ છતાં ધીરો, ગોપાળ, રણછોડ અને અખો એ વેદાંતી કવિયોની બાનીની તુલના લોકોએ એક જોડકણામાં ઠીક આંકી છે.

“અખે કર્યો ડખો, ગોપાળે કરી ઘેંશ;
રણછોડે રાંધી રાબડી, ધીરા તું શીરાવા બેશ.”

નાટક જેવું કશું હતું નહિ. લોકોના આનંદને માટે ભવાઈ હતી. ભવાઈઆ પોળમાં કે રસ્તામાં એક બાજુએ પડદો બાંધી દીવા અને મશાલને અજવાળે રમતા. વેશ પહેરવાની, મોંપર રંગ લગાવાની જગો પડદાની પાછળ જ હતી. મહોડે સફેતો ચોપડતા, મેં'શનાં ગાડાં આવ્યાં હોય એટલી મેંશ આંજતા અને જુગુપ્સા ઉત્પન્ન થાય એટલા અને એવા ચાળા ચશ્કા કરતા. એમના ધોયકણા જેવા પગ પડદા નીચેથી બીજી બાજુએ જોનારને જણાતા. તેઓ સર્વદા 'ગણપતી’નો વેશ કાઢી પછીથી 'કંસારા' નો , 'મીયાંબીબી' નો, જુઠણનો, 'સુરાસામળા’નો, વગેરે વેશ લાવતા. 'કજોડા'ના હાનિકારક રિવાજને વગોવવામાં બાકી ન રાખતા. તેમની ભવાઇઓમાં બિભત્સ અને ફટાણું એટલું હતું કે તેની સારી અસર બરબાદ જતી. આ સિવાય વખતે વખતે રાસધારીઓ આવીને કૃષ્ણલીલા અને રામલીલા ભજવતા. એઓમાં પણ કાંઈ વિશેષતા હતી નહિ.

બ્રિટિશ રાજ્ય થયું તે અરસામાં વસ્તુસ્થિતિ આવી હતી; તે થયા બાદ પણ રૈયતની કેળવણીને સારૂ કશું કરાયું નહોતું.

કાશીમાં એક સંસ્કૃત પાઠશાળા હતી. તેમજ પુનામાં પણ એક સ્થપાઈ હતી. પુનાની પાઠશાળાના મુખ્ય અધ્યાપક તરીકે મેજર કેનડીને નીમ્યા તે વખત ખળભળાટ થયો હતો. પરંતુ એ વિદ્વાને ઘણી દીર્ધ દૃષ્ટિ અને સભ્યતા વાપરીને પોતાનું કામ બજાવ્યું તેથી યૂરોપિયન પંડિતો તરફ લોકોનો