પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
સામાયિક પત્રો અને છાપખાનાં

સાહિત્યની કોઈપણ બાબતની અમને ખબર આપવી, કાંઈ વાર્તા કે કવિતા હોય તે અમને લખવી. ટૂંકામાં કોઈપણ બાબત સઘળાને જણાવવાની હોય તો અમને લખવું. અમે એ ઉપકાર સાથે છાપીશું.

અમારા છાપવાથી જેને લાભ થાય તેણે અમને ખરચ આપવું પડશે. બાકીની બધી ખબરો અમે મફત છાપીશુ.”

પત્રમાં લખવાની બીજી ખબરો અને જાહેર ખબર વચ્ચે ભેદ સમજાવવા સારું આવું લખવું પડ્યું હશે. કોઈ વર્તમાનપત્રને પ્રસિદ્ધ થતાં જ પ્રજાની તરફથી મદદ મળે એમ બને નહિ. સામાન્ય રીતે વર્ત્તમાનપત્ર તરફ સરકારની નજર કેવી કરડી હતી તે જાણ્યા છતાં 'સમાચાર' ના અધિપતિએ સરકારની મદદ માગી હતી. પણ તે કાળે મુંબઈ સરકારના અધિષ્ઠાતા મોન્સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટ્ન હતા. એમણે આ પહેલા વર્ત્તમાનપત્રને માયા બતાવી એટલું જ નહિ પણ દર નકલના રૂા. ૨૪ લેખે પચ્ચાશ નકલો સરકાર તરફથી ઉત્તેજન દાખલ લેવાનો હુકમ કર્યો. આવી રીતની બારસે રૂપિઆની વાર્ષિક મદદ તે કાળે નાની સુની ગણાય નહિ. મુંબઈના ધનાઢ્ય વતનીઓએ પણ એ પત્ર લેવા માંડ્યું. એ મદદ કરનારાઓના નામ એ 'સમાચાર' ના બીજા અંકમાં પ્રસિદ્ધ થયાં છે. ઇંગ્રેજી વર્ત્તમાનપત્રોએ પણ આ ગૃહસ્થોનાં નામની યાદિઓ છાપી હતી. એમાં ઇંગ્રેજ સનંદી અમલદારોનાં નામ જોઈને આપણને સાનંદાશ્ચર્ય થાય છે. આ પત્ર પ્રથમ દર અઠવાડીએ છપાતું અને લવાજમ માસિક બે રૂપિઆ હતું. સન ૧૮૪૦ થી આ પત્ર દૈનિક કરવામાં આવ્યું હતું.

મુંબઈ સમાચારની પછી સન ૧૮૩૧ માં 'ચાબુક' નીકળ્યું હતું. 'જામે જમશેદ', 'સમાચાર દર્પણ' , 'ચિત્રજ્ઞાન દર્પણ' નામનાં પત્રો ત્યારબાદ હયાતીમાં આવ્યાં હતાં.

'નવરોજજી હરકારૂ' ને નામે ઓળખાતો નવરોજજી દોરાબજી ચાનદારૂ 'ચાબુક' નો અધિપતિ હતો. આ માણસ એક કડક અને ફક્કડ લખનાર હોવા છતાં શેઠીઆઓના ખુશામતિયા અને ઢોલકી વગાડુ લેખે વિખ્યાત થયો હતો. એનું પત્ર શેઠીઆઓના ખાસ વાજીંત્ર લેખે જ