પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
સાઠીનૂં વાઙ્‌મય.

કેળવાએલા હિંદુઓને લખવાનો યોગ થાય, વર્ત્તમાનપત્ર શુદ્ધ ભાષામાં લખાય, અને દેશ સેવા થાય એવા સ્તુત્ય ઉદ્દેશથી પોતાનું-ગુજરાતીવર્તમાનપત્ર ચાલુ કર્યું હતું. આ પત્ર પોતાની બાની, નિડરતા અને વિચિક્ષણતાને લીધે બહુ ફેલાવો પામ્યું છે; અને ઠેર ઠેર વંચાય છે. રાસ્તના અધિપતિ મર્હૂમ કાબરાજીનો સંગીત તરફ પક્ષપાત જોઈ તેમને સોંપેલા 'રાજગીત'ના ભાષાન્તર ઉપર એની ભાષા સંબંધી અને કાબરાજીના ગુજરાતી સાક્ષરત્વ સંબંધી પ્રથમ ચર્ચા આ પત્રે ઉઠાવી હતી તે તેમ જ એમણે 'હિંદ અને બ્રીટાનીયા' લખવા બદલ પડેલી વિટંબણા સંબંધે અગાઉ કહી ગયા છઈએ. ગુજરાતી પ્રેસે ઘણાં પુસ્તક પ્રસિદ્ધિમાં આપ્યાં છે.

લોકપ્રિય 'કયસરેહિંદ', લોકમિત્ર, સાંજવર્ત્તમાન, તેમજ બીજાં ઘણાએ પત્રો અસ્તિત્વમાં આવ્યાં છે. દરેકની છૂટી છૂટી અને વિગતવાર હકીકત આ સ્થળે આપી શકાતી નથી. આ પ્રકરણને અંતે મુંબાઈ અને બીજા શહેરમાં જન્મ પામેલાં ગુજરાતી વર્ત્તમાનપત્રોની ઈ. સ. ૧૮૬૭ ના અંત સુધીની યાદિ અમે આપીએ છઈએ. એમાનાં ઘણાંખરાં પોતાને મોતે મરી ગયાં છે. કેટલાંક કંગાળ જીંદગી ગુજારીને મરતાં મરતાં જીવે છે અને કેટલાંક હિમ્મતથી પોતાનું કર્તવ્ય પ્રમાણિકપણે બજાવે જાય છે.

લોર્ડ લિટનની કારકીર્દીમાં એતદ્દેશીય વર્તમાન પત્રો ઉપર અંકુશ મુકવામાં આવ્યા હતા. એની અસર નરમ પાડવા ઘણાં વર્તમાન પત્રોએ અંગ્રેજીમાં લખાણ કરવાનો આરંભ કરીને પોતાનાં પત્રોને બે ભાષાનાં બનાવ્યાં હતાં. મહાન લોર્ડ રિપને આ અંકુશો કાઢી નાંખ્યા હતા. કેટલાક કાળ પછી થોડા ઘણા અંકુશ મુકવામાં આવ્યા છે.

'સમાલોચક' નામના ત્રિમાસિકમાં કદી વિદ્વતા ભર્યા વિષયો અને કદી પુસ્તકોનાં વિવેચન આવે છે. તે સિવાય–આર્ય ધર્મ પ્રકાશ–નૂરે એલમ– અને બીજા ઘણાએ લોક સુધારણા અને સાહિત્યના ફેલાવાનો યત્ન કરી રહ્યાં છે. સ્વ. મણિલાલનું 'સુદર્શન' તત્વજ્ઞાન અને સાહિત્યની ચર્ચા ચલાવતું હતું. વિવેચન કરનારા સારા ત્રિમાસિકની ખોટ હજીએ પૂરાઈ નથી.