પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
સામાયિક પત્રો અને છાપખાનાં


ખૂદ મુંબાઈની આટલી હકીકત ટુંકાણમાં કહીને હવે અમદાવાદ વગેરે બીજા સ્થળની બાબત બોલીશું.

અમદાવાદમાં પહેલ વહેલું સારા પાયા પર છાપખાનું લાવવાનું તેમ જ વર્ત્તમાનપત્ર કાઢવાનું માન ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને છે. સાહિત્ય ના વધારાને સારૂ અને જન સમાજની સામાન્ય રીતે ઉન્નતિને સારૂ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ઘણું ઘણું કર્યું છે. સોસાઈટીના પ્રેસમાં જ સોસાઈટીનું વર્ત્તમાનપત્ર છપાતું હતું. એ પત્ર દર બુધવારે નીકળતું. એથી આપણી તરફ 'બુધવારીઉં' એ શબ્દ જે વર્તમાનપત્ર અર્થવાચક થઈ ગયા છે. જૂનાં માણસો હજુ પણ વર્તમાનપત્રને 'બુધવારીઉં' કહે છે. તે વખતે આ પત્રનું લખાણ તેજદાર આવતું એની અંદરના કાંઈ લખાણને લીધે સોસાઈટીને તે વખતના જજ્જ હેરીસન જોડે તકરાર ઉઠી હતી. અમલદાર વર્ગ વિરૂદ્ધ એક બે લખાણથી ઘણાને ચટકી લાગી હતી; અને મુંબઈની સદર અદાલતમાંથી સરક્યુલર આવ્યો હતો કે સરકારી નોકરોએ વર્ત્તમાનપત્રમાં લખવું નહિ. સ્વ. એ. કે. ફોર્બ્સ આ પત્રમાં બહુધા લખતા. ઉક્ત હુકમથી એમને પત્રની સાથેનો પોતાનો સંબંધ છોડી દેવો પડ્યો હતો.

ગુજરાત વર્નાકયુલર સોસાઈટી સ્થપાયાં ને પાંચ છ વર્ષ થયાં એટલામાં સોસાઈટીએ 'બુદ્ધિપ્રકાશ' નામનું માસિક કાઢ્યું હતું. કવીશ્વર દલપતરામ પોતે વાનપ્રસ્થ થયા ત્યાં સુધી બુદ્ધિપ્રકાશ એમની પાસે રહ્યું હતું. ત્યારબાદ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના એસિસ્ટંટ સેક્રટેરી, દેખરેખ રાખનાર એક કમિટીના અભિપ્રાય પ્રમાણે એ માસિક ચલાવે છે. સોસાઈટીની આબાદીની જોડે એ માસિકની પણ ઉત્તરોત્તર આબાદી થઈ છે.

સંવત ૧૯૧૯ સુધી એક 'ધર્મ પ્રકાશ' નામે માસિક પ્રગટ થયું હતું.

ગુજરાતમાં નિશાળોની વૃદ્ધિ થવાની સાથે નિશાળના કામના બરનું 'શાળાપત્ર' નામે કેળવણી ખાતા તરફથી એક માસિક પ્રગટ થયું હતું. આ માસિકે જૂદા જૂદા અધિપતિયોના હાથ નીચે જુદી જુદી તરેહની જીંદગી ગુજારી છે. શરૂઆતમાં રા.રા. મહીપતરામના અધિપતિપણા