પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
સાઠીનૂં વાઙ્‌ગમય.

નીચે એમાં બહુધા દેશ સુધારો, સામાન્ય જ્ઞાન, અને સાહિત્યના વિષયો આવતા. આ સમયમાં રા. રા. મહીપતરામના શિષ્યો પણ એમાં લખતા. આ સમયમાં વૃદ્ધ 'બુદ્ધિ પ્રકાશ' જોડે એને વાદમાં ઉતરવું પડ્યું હતું. ક્યાંની ભાષા શુદ્ધ એ એક તકરાર હતી. સુરત તરફની ભાષાના ઉપહાસમાં કવીશ્વરે 'ફાર્બસ વિલાસ'માંની 'આરાને ઓવારો કહે' એ કવિતા આ સમયમાં લખેલી છે. *[૧]

બીજી તકરાર પ્રેમાનંદ કવિ સરસ કે શામળ સરસ એ હતી. શાળાપત્રે પ્રેમાનંદ અને બુદ્ધિપ્રકાશે શામળને વખાણ્યો હતો. આ ચર્ચા લગીર જોસભેર અને કડવાશ ભરી થઈ હતી. લગભગ ૧૮૭૨–૭૩ થી શાળાપત્રનું તંત્રીપણું સ્વ. નવલરામ પાસે ગયું હતું, તેમણે મુખ પૃષ્ટ ઉપર

“મહેતાજી બહુ મોટું તુજ નામ તેમ છે કામ
કર ખંતે મન ક્ષેત્રની ખરી ખેતી ધરી હામ”

એ સૂત્ર લખવા માંડ્યું હતું. એમના સમયમાં શાળાપયોગી વિષયોનું ઉમેરણ ઠીક થયું હતું. તે સિવાય સાહિત્યના વિષયો અને મુખ્યત્વે પુસ્તકોનાં વિવેચન સારાં લખાવાં માંડ્યાં હતાં. અધિપતિની બદલી રાજકોટ થવાથી શાળાપત્ર ત્યાં ગયું અને સ્વ. નવલરામના મરણ બાદ પાછું રાજકોટથી અમે મદાવાદ આવ્યું અને રા. રા. મહીપતરામને સોંપાયું હતું, આ વખતે એ છેક શાળાપયોગી માસિક થયું હતું. એમના સ્વર્ગવાસ પછી જૂદા જૂદા અધિકારીયોના હાથમાં જઈ હાલ રા. કમળાશંકર ત્રિવેદીના હાથમાં છે. પ્રથમના કરતાં શાળાપત્રનું કદ તેમજ શાળાપગિતા વધી છે.


  1. * એક બીજાના ઉપહાસની કવિતાનો જન્મ આ કારણથી થયો હતો. અમારા વાંચનારના વિનોદની ખાતર એવી બીજી એક કવિતા આપીએ છીએ. એ કોની લખેલી છે એ અમે જાણતા નથી.

    “જોની પેલું સું છ યાર જોની પેલું સું છ યાર
    તાપીને ઓવારે સારે જેની પેલું સું છે યાર.
    કીલો હુતો કીકી હુતી હુતા સઘળા લોક યાર.
    સુરત કેરા નાગરોને મીઠા ભાવે મોગ યાર–જોની. ””