પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
સાઠીની પૂર્વની સ્થિતિ.

આદર વધીને પ્રેમ ચોંટી ગયો હતો. એ પાઠશાળા ઘણા સારા પાયા પર ચાલતી હતી. આ પાઠશાળા ધર્મશાસ્ત્રીઓ તૈયાર કરતી અને તેઓ સરકારની અદાલતોમાં હિંદુ ધર્મશાસ્ત્રમાં શું છે અને અમુક સવાલનો નિર્ણય હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે કેમ થાય વગેરે અભિપ્રાય આપી દિવાની બાબતોનો નિકાલ કરવામાં સહાયભૂત થતા. પરંતુ આવી એકદેશી અને દૂર પડેલી સંસ્થાનો લાભ થોડાક જ લઈ શકતા. સાર્વજનિક શિક્ષણને માટે કશું કરવામાં આવ્યું નહોતું. ફારસી, અને સંસ્કૃત શીખવતી પાઠશાળાઓ ઉપર થતો ખર્ચ કમી કરીને પ્રજાને ઇંગ્રેજી અને દેશીભાષામાં જ્ઞાન આપવું એ વિચાર પ્રબળ થયો. આવી ‘નેટીવ સ્કુલ બુક સોસાઇટી’ સ્થાપવાની સૂચના ઈ. સ. ૧૮૧૭ માં કલકત્તામાં રેવરંડ રોબર્ટ મે નામના ખ્રીસ્તી ધર્મગુરૂએ પ્રથમ કરી હતી. આ પગલું પ્રથમ બંગાળામાં ભરવામાં આવ્યું. બાદ બંગાળાની સંસ્થાની સૂચના ઉપરથી મુંબાઇમાં એ તરફ લક્ષ ગયું. કેટલાક ઇંગ્રેજ અમલદારોની સલાહથી મુંબાઈના ધનવાન ગૃહસ્થોએ એક ફંડ ઉભું કર્યું. ઈ. સ. ૧૮૨૦ના ઓગષ્ટ માસમાં ‘નેટીવ સ્કુલ બુક એન્ડ નેટીવ સ્કુલ સોસાઈટી’ એ નામની સંસ્થાની સ્થાપના થઈ. સાત વર્ષ પછી એ સંસ્થાએ પોતાનું નામ બદલીને 'ધી બોંબે નેટીવ એજ્યુકેશનલ સોસાઈટી' એવું નવું નામ ધારણ કર્યું. દેશીઓને માત્ર ઇંગ્રેજી કેળવણી આપી બધા દેશની સામાન્ય ભાષા ઇંગ્રેજી કરવી એવો કેટલાક મોટા રાજકીય પુરુષોનો અભિપ્રાય હતો. કેટલાક દેશીભાષા દ્વારા કેળવણીના હિમાયતી હતા. મુંબાઇના તે વખતના ઉદારચરિત્ રાજનીતિનિપુણ ગવરનર માઉન્સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન દેશી ભાષા ખીલવવાના પક્ષમાં હતા. તેમણે ઈ. સ. ૧૮૨૨ માં આ સંસ્થાને નાણાની મદદ કરવા માંડી, અને એના કારભારમાં કેટલાક સરકારી અમલદારોને ભેળ્યા. સંસ્થાનું નામ ‘હિંદ નિશાળ અને પુસ્તક મંડળી’ એવું પાડ્યું.

ગુજરાતી સાહિત્યને અંગે લખતા હોવાથી ગુજરાતી સિવાય બીજી એતદ્દેશીય ભાષાના સંબંધમાં અમે બોલીશું નહિ. મુંબાઈવાળી મંડળીએ એતદ્દેશીય ભાષામાં પુસ્તકો લખાવવા માંડ્યાં. ઈ. સ. ૧૮૨૪ માં લિપિધારા,