પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
સામાયિક પત્રો અને છાપખાનાં.

ધીરે ક્ષીણ થઈને એનો અવસાન કાળ આવી ગયો એવું સ્મરણમાં છે. જૂનાગઢમાં 'સૌરાષ્ટ્રદર્પણ' પણ નીકળ્યું હતું. આ સિવાય 'વર્ત્તમાન પત્ર', 'વિદ્યોદય' નામનાં પત્રો પણ ત્યાં નીકળ્યાં છે. હાલ 'કાઠીઆવાડ ટાઈમ્સ' અને 'કાઠિયાવાડ ન્યૂસ' નામનાં બે પત્રો નીકળે છે.

ખાસ સ્ત્રીઓને વાંચવા લાયક માસિક પહેલું મર્હૂમ કાબરાજીએ કાઢેલું 'સ્ત્રીબોધ' હતું. સ્ત્રી બોધમાં આવતી વાર્ત્તાઓ સંબંધી અગાડી કહી ગયા છઈએ. સ્વ. મણિલાલે 'પ્રિયંવદા' એવા હેતુથી કાઢ્યું હતું. હાલ એજ કોટીનું ‘સુન્દરી સુબોધ' નામે માસિક નીકળે છે. મી. કાબરાજીએ રફતે રફતે સ્ત્રીબોધને સ્ત્રીઓની જ કલમથી લખાતું કર્યું હતું. સુન્દરી સુબોધમાં પણ બહુધા સ્ત્રી લેખકોના લેખ આવે છે.

આ પ્રમાણે આ સાઠીમાં વર્તમાન પત્રો જન્મ પામી પોતાનો જય ફેલાવી રહ્યાં છે. તેમના વાંચનનો શોખ વધ્યો છે. સમુદ્ર પુરવાને પક્ષીઓએ કરેલા પ્રયત્નવાળી વાર્ત્તાની પેઠે કોઈ મોટી ગદાઓ, કોઈ મોટા પથરા, તો કોઈ પોતાની ચાંચમાં માય એટલી માટી, એમ સઘળાં યથાશક્તિ દેશના ઉદ્‌ભવ અને સાહિત્યની વૃદ્ધિને માટે યત્નશાળી બની રહ્યાં છે. બેશક દરેકના ઉદ્યોગનાં ક્ષેત્ર જૂદા જૂદાં, તેમ જ થતાં ફળ પણ જૂદાં જૂદાં, અને ઓછી વત્તિ કિંમતનાં નિવડે છે.