પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
અમદાવાદમાં સાહિત્યને અઙ્‌ગેચળવિકળ.

અમે એમના વખતમાં ઈસ પનીતિ ચાલતી હતી એવું સાંભળ્યું છે ! તે વખતની સામાન્ય સ્થિતિ આવી આવી જૂજ બાબતો ઉપરથી આપણે અટકળી શકીએ. ઈ. સ. ૧૮૫૮ ની સાલમાં સ્વ. મહીપતરામજીએ આપેલા ભાષણમાંથી અમે ગયા પ્રકરણમાં છૂટથી ઉતારા લીધા છે. આવા વિષયમાં અમુક જ વર્ષથી શું શું થયું એવી નિર્વિવાદિત હદ બાંધી શકાય નહિ. છતાં અમારે ઈ. સ. ૧૯૦૮ ની પૂર્વની સાઠીની હકીકત કહેવાની હોવાથી ઈ. સ. ૧૮૪૮ ની સાલ ખાસ હદ તરીકે રાખવી પડે છે. ગુજરાતી સાહિત્યને અંગે જોતાં એ વર્ષ અમુક કારણથી એ પ્રમાણે પ્રથમ પગથીયું ગણવાને યોગ્ય જણાય પણ છે.

ગુજરાતની રાજધાની અમદાવાદમાં તે વર્ષના છેક પાછલા ભાગમાં એક વિરલ બનાવ બન્યો હતો. ગુજરાતી સાહિત્યની ખિલવણી,−વધારો−અને ફેલાવો કરવાના સ્તુત્ય ઉદેશથી એક નવી સંસ્થાનો જન્મ થયો. ઈ. સ. ૧૮૪૮ ના ડિસેંબર મહિનાની ૨૬ મી તારીખે એ સંસ્થા સ્થાપવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખતાં આ સંસ્થા સંબંધી અને જે મહાન્ પુરુષને લીધે એ સંસ્થાએ જન્મ લીધો હતો અને જેની ખાસ સંભાળથી ઉછરી આવી હતી એના સંબંધી કાંઈ ન બોલીએ એ અશક્ય છે. આપણા દેશનો ઉદય બ્રિટિશ લોકને હાથે જ નિર્માણ થયો છે. તેમજ ગુજરાતી સાહિત્યના ઉદયનાં બીજ પણ એક અંગ્રેજ ગૃહસ્થને હાથે જ રોપાયાં છે. પરજાતિ, પરધર્મી અને પરદેશી છતાં પણ એ મહાન્ નર ગુજરાત અને ગુજરાતીને ખરેખરી દાઝથી, કોઈ પણ દેશભક્ત ગુજરાતી કરતાં ઓછું ચહાતો નહિ. ક. દલપતરામ એને માટે કહે છે કે:—

“ જન્મ જુદી જમિમાં ધરિને પણ તું મુજ જન્મભૂ તર્ફ જણાયો” એ શબ્દશઃ યથાર્થ છે.

અલેક્ષાંડર કિન્લોક ફોર્બ્સનું માનવંતું નામ કોઈનેજ અજાણ્યું હશે. માતા અને પિતા બંને તરફથી ઉચ્ચ કુળમાં સ્કોટલંડમાં એઓ જન્મ્યા હતા. ઓનરેબલ ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીની સિવિલ સર્વિસમાં દાખલ થઇને તારીખ ૩૦ મી ડીસેમ્બર ૧૮૪ર ને દિવસે મુંબાઈ પ્રાન્તમાં નિમાયા.