પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૭
અમદાવાદમાં સાહિત્યને અઙ્‌ગે ચળવિકળ.

ઈ. સ. ૧૮૪૮ ના ડિસેંબર મહિનાની તારીખ ૨૬ મીએ ફોર્બ્સ સાહેબે યૂરોપિયન અને દેશી ગૃહસ્થોની એક સભા મેળવી. તેમાં ગુજરાતના સાહિત્યની ખીલવણીના ઉદ્દેશથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સ્થાપના થઈ. વિનિત અને દંભરહિત મહાન્ નર ફોર્બ્સ પોતે એ સભાના ઓનરરી સેક્રેટરી બન્યા. એમની વિનતી ઉપરથી તે વખતના મુંબાઈના ગવરનર સાહેબ લોર્ડ ફોકલંડ તેના પેટ્રન− મુરબ્બી બન્યા. ત્યાર પછીની સભાની બેઠકમાં એમ ઠર્યૂં હતું કે સોસાઈટીએ તે વખતમાં મળી શકે એવાં સઘળાં ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ કરવો, અને જરૂર જણાય તો ઈનામ અને મહેનતાણું આપીને નવાં ભાષાન્તર તેમજ મૂળ ગ્રંથો લખાવવા. સ્વ. ફોર્બ્સ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના પોતાના પ્રથમ વર્ષના રિપોર્ટમાં લખે છે કે “નિશાળોને માટે પુસ્તકો પૂરાં પાડવાં એ આપણા કર્તવ્યનો કોઈ પણ અંશે ઓછો અગત્યનો ભાગ નથી. સન ૧૮૪૫ માં દિલ્લીની આવી એક સોસાઈટીએ પોતાના રિપોર્ટમાં જે કહ્યું છે તે આપણને ઓછું લાગુ પડે છે એમ નથી. તેમાં કહ્યું છે કે આપણા કામનું ખરેખરું ક્ષેત્ર તે સરકારી નિશાળો છે. હવે પછીની થનારી પ્રજા ઉપરજ આપણે આશા રાખી શકીએ. પુખ્ત થએલા ઝાડને ગમે તેમ વાળી શકાય નહિ. સતત સુધારા કરીને નિશાળોના શિક્ષણ સારૂ સારાં પુસ્તકો કરી આપવાં એ આપણું પ્રથમ અને અગત્યનું કર્તવ્ય છે.”

આ જ સભામાં દેશી લાયબ્રેરી–પુસ્તકાલય–સ્થાપવાની યોજના થઈ હતી. એ સંસ્થા વિષે તેઓ સાહેબ કહે છે કે, “ગુજરાતી પુસ્તકોની સંખ્યા બેશક ઘણી થોડી છે અને એ સઘળાંની શૈલી ઘણી જ ખરાબ છે. ગુજરાતી વાંચનારા વિક્રમની વાતો અને ચાર દરવેશની વાતો એ પુસ્તકો વધારે વાંચે છે. રફતે રફતે સારાં પુસ્તકો મળી શકશે અને વાંચનારનો શોખ પણ ધીરે ધીરે સુધારશે એવી આશા રાખવામાં આવે છે.”

દેશીઓને પોતાના સાહિત્યમાં અભ્યાસ વધે અને તેઓને એતદ્દેશીય ભાષામાં લખતાં આવડે માટે એક પરીક્ષા ઠેરવવામાં આવી હતી. ઈંગ્રેજી અને ગુજરાતી નિશાળના નિશાળીઆ આ પરીક્ષા આપવા બેશી શકતા.