પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

તેમને કમિટિએ પ્રથમથી નિર્માણ કરેલા કોઈ ગુજરાતી પુસ્તકનો અભ્યાસ કરીને તેની પરીક્ષા આપવી પડતી. તેમજ આપેલા વિષય ઉપર ગુજરાતીમાં નિબંધ લખવાનો હતો. ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવતી કે તેમણે પોતાના નિબંધમાં પરભાષાના શબ્દો, જોડણી અને પરભાષાના રૂઢ અર્થવાચક શબ્દો વાપરવા નહિ. પોતાના તેજ સાલના રિપોર્ટમાં ફોર્બ્સ સાહેબ કહે છે કે 'આપણે એક બીજી બાબતમાં મહેનત કરીએ છઈએ અને એને હું ઘણી જ મહત્વની સમજું છઉં. જે માણસ આપણી લાયબ્રેરી સંભાળે છે તે જૂનાં પુસ્તકોની નક્કલ ઉતારવાનું કામ પણ કરે છે. ખરેખરી ગુજરાતી ભાષા એ જૂનાં પુસ્તકમાં જ રહેલી છે, અને હું આશા રાખું છઉં કે આગળ જતાં જ્યારે આપણે ગુજરાતી ભાષાનો કોષ તૈયાર કરાવરાવીશું ત્યારે એ પુસ્તકો ઘણાં જ કિંમતી થઈ પડશે. સામળ ભટ, વડોદરાના પ્રેમાનંદ ભટ, અમદાવાદના વલ્લભ ભટ, જૂનાગઢના નરસૈ મહેતાનાં બનાવેલાં પુસ્તકો, તેમ જ મહાભારતનાં ભાષાન્તરો, બીજા જૂના પુસ્તકો, રાસાઓ અને વાર્તાઓ જે માત્ર લખેલાં પુસ્તક રૂપેજ મળી આવે છે તેને માટે જ મારું કહેવું છે. આ સઘળા ગ્રંથોની પૂરેપૂરી નક્કલો આપણી લાયબ્રેરીમાં હોય એ જોવાની મને ઘણી આશા છે. મૂળ પુસ્તક જેવી રીતે લખાએલું હોય તેવીજ તેની નક્કલ કરવી જોઈએ. માત્ર તેમાં એક બાજુએ સુધારા વધારા સારૂ માટે હાંસીઓ રાખવો જોઈએ. છેવટે તેઓ સાહેબ આપણી સંસ્થાને કીયા ધોરણ પર ચલાવવી એ વિશે તેમના પોતાના તેમજ કેટલાક મિત્રોના વિચાર દર્શાવે છે. એ મિત્રામાંનો એક તો આપણી પડોસમાં આવેલા સિંધ પ્રાન્તમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી ગુજરાતમાં કરે છે તેવાજ ઉમંગ અને દીર્ઘ દૃષ્ટિથી તે કાળે તેવું જ કામ કરી રહ્યો હતો.

ભાષાન્તર કરવાનો વા ચાલ્યો હતો એ અમે આગળ કહી ગયા છઈએ સ્વ. ફોર્બ્સ કહે છે કે 'સોસાઈટીનું કામ માત્ર ભાષાન્તરો કરાવવાં એ છે એવી સમજણ કેટલાક વખત ઉપર ઉત્પન્ન થઈ છે એ યથાર્થ નથી. ગુજરાતી સાહિત્યની ખીલવણી એ જ સોસાઈટીનો ઉદ્દેશ આપણે ઠરાવ્યો છે.