પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
અમદાવાદમાં સાહિત્ય ચળવળને અઙ્‌ગે ચળવિકળ.

જૈનભંડારો જોઈને ઐતિહાસિક પુસ્તકોનો પોતે સારો સંગ્રહ કર્યો હતો. સિદ્ધપુર, અણહિલપુર, પાલીટાણા, આબુ આદિ જગાએ જઈને ત્યાંના ભવ્ય ખંડેરો, કીર્ત્તિસ્થંભો, દેવાલયો, જળાશયો આદિ નિરખી જોયાં હતાં. પોતે ચિત્રકળામાં નિપુણ હતા. પોતાને હાથે કેટલાંક ચમત્કારિક સ્થાનોનાં ચિત્ર આલેખી પોતાની રાસમાળામાં મૂકેલાં છે.

એવાં રમણીય સ્થાનો જોવા જતા ત્યાં કોઈનું મન દુભવતા નહિ. ત્યાં પોતાનાં બૂટ કહાડી જ્યાં સુધી જવાનો બાધ નહોય ત્યાં સુધી જ જતા અને તે પણ સામાની આજ્ઞા લઈને. એવી જગાએ ખુરશીપર ન બેસતાં ચાકળાપર લાંબા પગ કરીને બેસતા.

એ. કે. ફોર્બ્સ છેવટે સદર અદાલતના જજ્જ નિમાયા હતા. અપરોક્ષ અને પરોક્ષ બન્ને રીતે એમણે ગુજરાતના લોક અને તેમના સાહિત્યની સેવા, ઉન્નતિ કરી છે. જડતામાં પડી રહેલી પ્રજાને, તેના સાહિત્યને અને સુધારાને પ્રથમ ગતિ આપી છે.

બળવાના વખતમાં ઘણા ધૈર્યવાન અને સમજુ લોકોનાં મગજ પણ ઠેકાણે રહ્યાં નહોતાં. તેવા વખતમાં તેમણે પોતે આ દેશની કેવી સેવા બજાવી હતી તે તેમજ તેઓ પોતે અને સ્વ. રોબર્ટ નાઈટ— જેને માટે આપણો સુરતી કવિ ગાઇ ગયો છે કે

'જન જશ ગાઓજી નાઇટે ખૂબ કરીજી.'

એ બન્ને કેવા નિડરતાથી અડગ રહ્યા હતા તે કહેવાનો આ પ્રસંગ નથી. કવિ દલપતરામ જેવા તોળી તોળીને બોલનારના મુખાર્વિંદમાંથી નીકળેલી ઉક્તિ શબ્દશઃ ખરી છે. તેઓ કહે છે કે:—

'કૈક કલેકટર જજ્જ ગયા ને નવા વળિ આવિ જુના વિસરાવે,
શી ગણતી રશિડેંટ તણી ગત કૈક ગવરનર કોણ ગણાવે;
લંદનમાં નવ લાખ ભર્યા અહિં આવિ જહાંગિરિ જોર જણાવે,
દેશ હિતેચ્છુ કહે દલપત સુબો ફરિ ફાર્બસ તો નહિ આવે. ૩૩'
ક. દ. ડા.