પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

વાંચનારી આલમથી વિસરાય એવું નથી. 'વિપત્તિ વિશે નિબંધ,' 'અસ્તોદય,’ ‘સુજ્ઞ ગોકુળજી ઝાલા અને વેદાન્ત,' 'કરસનદાસ અને તત્સંબંધી વિચાર,' ‘ફાર્બસજીવન ચરિત્ર,’ ‘વિચારસાગરનું ભાષાન્તર,' 'ઉત્તર જયકુમારી,' અને 'મણિ રત્નમાળા' નું ભાષાન્તર વગેરે એમના ગ્રંથો છે. એઓ, રણછોડભાઈ અને છોટાલાલ સેવકરામે મળીને 'શેક્સપીયર કથા સમાજ' નામનું પુસ્તક લખ્યું હતું. મુંબાઈમાં ફોર્બ્સ ગુજરાતી સભા સ્થાપવામાં એમણે પ્રશંસનીય શ્રમ લીધો હતો. ભાષામાં કોઈ પણ બાહ્ય તત્વને રહેવા ન દેવું એ એમનો સિદ્ધાન્ત; અને એ સિદ્ધાન્તને અનુસરવામાં જ તેમને સર્વ સંપત્તિનું નિદાન જણાતું. એમણે ધારેલા ફળ વિશે એમના શબ્દોમાં જ કહીશું. “રત્નાકર સંસ્કૃતસમા એક જ ખાનિમાંથી આવેલા સાર્થક સરલ શબ્દો શુદ્ધ વપરાઈ એકતા વર્ધમાના થશે. એમ થયે વિભક્તિના રૂપના અને ધાતુના પ્રત્યયોમાં જ માત્ર ભેદ રહેશે. ભગિની ભાષાઓ પરસ્પર સમજાય એવી થશે અને તે દેવનાગરી કિંવા બાલબોધ લિપિમાં મુદ્રાંકિત થશે તેથી ભરતખંડની એકજનતા–ઐક્ય–દેશજનતા થવામાં સુગમ થશે. એવા અનેક અલભ્ય લાભો યથેચ્છ ભાષા રચનાથી થવા સંભવ છે.*"[૧] એમના આ ઈષ્ટ ફેરફાર ને માટે પ્રત્યયાન્તર બોલ એમનો યોજેલો છે. આ પ્રમાણે સંસ્કૃતમયી ગુજરાતી લખીને એમણે ભાષામાં આડંબરી શૈલી ઉભી કરી છે. પરાકાષ્ટાએ પહોંચેલી આડંબરી શૈલીનું ઉદાહરણ અમારે અગાડી આપવાનું છે.

બીજા એક એવા તે કાળે સાહિત્યસેવા કરનાર સ્વ.છોટાલાલ સેવકરામ હતા. 'ભૂગોળનું વર્ણન,' 'હિંદુસ્થાનનો ઈતિહાસ,’ ‘મુસલમાની દિવાની કાયદો,’ ‘રોમના રાજ્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' એ એમનાં પુસ્તકો પ્રકટ થયાં હતાં. પાછલા વખતમાં 'વૃંદસતસાઈ' અને 'તુલસી સતસાઈ’નાં વૃજભાષામાંથી ભાષાન્તર અને પોતાની પુત્રીના મરણ કાળે તેનો શોકોદ્‌ગાર એમની સરસ્વતીએ કાઢ્યો હતો. એ ગૃહસ્થે શબ્દોનાં મૂળ કાઢીને 'ગુજરાતી કોષ' લખવાનું સાહસ પણ કર્યું હતું, જેને માટે અમારે આગળ ઉપર લખવું પડવાનું છે.


  1. * વાર્તિક; સ. લો.