પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

મંડળી એવું હતું. એ મંડળીમાં ઘણાક શાસ્ત્રીય વિષયો ઉપર ભાષણો અપાતાં, નિબંધો લખાતા અને ચર્ચા થતી. પારસી, ગુજરાતી અને મુસલમાન ધરાધરી આ મંડળીના સભાસદો હતા. પરંતુ આગેવાનો અને મોટો ભાગ પારસી ભાઇઓનો હતો. લોકોમાં જ્ઞાન ફેલાવવાના હેતુથી આ મંડળીએ એક માસિક કાઢ્યું હતું. એ માસિક જોવાથી માલમ પડે છે કે એ સભામાં તે વખત ઉત્સાહથી કામ કરનારા તરૂણો–વિદ્યાર્થીઓ–અગાડી જતાં ઘણા નામાંકિત થયેલા પુરૂષો હતા.

આપણા બૂજર્ગ માનવંતા પ્રો. દાદાભાઇ તેઓમાં મુખ્ય હતા. આ મંડળીએ પોતાના માસિક પત્રને 'ગનેઆન પરસારક એટલે જે એલમ–તથા હોનરોનો–ફેલાવો–કરનાર–ચોપાનીઉં.' એવું નામ આપી સન ૧૮૪૯ માં પ્રથમ પ્રગટ કર્યું હતું. આગળ ઉપર વર્ત્તમાન પત્રો વિશે લખીશું ત્યારે આ ચોપનીઆ વિશે લખવાનું હોવાથી હાલ તરત તો એનું નામ જ માત્ર આપીને સંતોષ પામીએ છઇએ.

આ સભા પોતાનું કામ ધમધોકાર કર્યે જતી હતી; અને આ પારસી ભાઇઓ ઉદાર વૃત્તિના હોવાથી હિન્દુ સુધારા સંબંધી ચર્ચા પણ ત્યાં થતી હતી. તોપણ એવું જણાયું કે જો હિંદુઓની જુદીજ મંડળી હોય તો એમાં આવતી હતી તેના કરતાં પણ હિંદુઓની મોટી સંખ્યા આવે, ભાષણો સાંભળે અને પરિણામે લાભ થાય. આમ હોવાથી સન ૧૮૫૧ માં સ્ટૂડંટ્સ સોસાઈટીની એક[૧]ત્રીજી શાખા સ્થાપવામાં આવી.

આ શાખા 'બુદ્ધિ વર્ધક હિંદુસભા' નામથી જાણીતી છે. ભરૂચવાળા રણછોડદાસ ગીરધરભાઈ આ સભાના સરનશીન હતા. ગુજરાતમાં


  1. *આ અરસામાં કવિ નર્મદ અને મયારામ શંભુનાથે મળીને એક સભા સ્થાપી હતી. 'જુવાન પુરૂષોની અન્યોન્ય બુધિ વર્ધક' એવું એનું નામ રાખ્યું હતું. નર્મદ પ્રમુખ, અને મયારામ સેક્રટરી થયા હતા. કવિયે 'મંડળી મળવાથી થતા લાભ' વિષે મોઢેથી પહેલું જ ભાષણ આપ્યું હતું, એ સભા રસ્તે પડવા આવી એટલામાં કવિને સુ૨ત જઈને વસવું પડ્યું. એ બનાવ ૫છી દશ પંદર દહાડે આ સભામાં કોલેજના વિદ્યાર્થીઓ ભળવાથી તેની પુનઃ સ્થાપના થઈ.