પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

પુસ્તક લખ્યું છે તેઓ એ સભાના સરનશીન હતા. મોહનલાલ રણછોડદાસ મુનશી, અને ગંગાદાસ કિશોરદાસ ખજાનચી હતા. પહેલા બેને નોકરી મળવાથી તેમણે મુંબાઈ છોડ્યું, ત્યારે ગંગાદાસ પ્રમુખ થયા. સન ૧૮૫૧ ની સાલની એ સભાની કારોબાર મંડળીમાં ઉપર ગણાવ્યાં તે સિવાય બીજાં બે નામ નોંધી લેવા જેવાં માલમ પડે છે. મયારામ શંભુનાથ, અગાઉ જતાં પ્રથમ પંક્તિના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર થયા હતા. એમણે ૧૮૬૩ માં ‘ચિપલુનકરના વ્યાકરણ'નું ભાષાન્તર કર્યું હતું, અને 'કન્યાની અછત વિશે નિબંધ' પણ લખ્યો હતો. બીજા ગૃહસ્થ તે શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ જેમણે પોતાની વીશ હજાર રૂપીઆથી પણ વધારે પુંજી ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને ગુજરાતી સાહિત્યના હિતાર્થે આપી દીધી છે તે છે. પોતાને સંતતિ ન હોય તો છોકરાંને સારૂ ફરી લગ્ન કરવું અને તેમ કરતાં એ આશા ફળીભૂત ન થાય તો દત્તવિધાનથી પુત્ર પેદા કરી લેવો એવું સાધારણ રીતે જોવામાં આવે છે. તેવા કાળમાં અને લોકોમાં પોતાના વંશવિસ્તારની, શ્રાદ્ધના પિંડની દરકાર કર્યા સિવાય પોતાની માતૃભાષાના સાહિત્યની અભિવૃદ્ધિ સારૂ પોતાનું સર્વસ્વ આપી જવાનું માન આપણામાં આ ગૃહસ્થેજ ખાટ્યું છે. તે વખતની કેળવણી વડે અને બુદ્ધિવર્ધક સભાને અંગે થયેલા પોતાના સોબતીઓ વડે આ ગૃહસ્થને કેવા ઉચ્ચ સંસ્કાર થયા હશે તે અમારા વાંચનારને જ વિચારી લેવાનું સોંપીએ છઈએ.

કાળે કરીને આ સભામાં ઘણા સુધારા થયા હતા. ગનેઆન પરસારક મંડળી પરથી ગૃહણ કરેલાં હોદ્દાનાં નામોમાં ફેરફાર કરીને સરનશિનને બદલે પ્રમુખ, ઉપપ્રમુખ, કીલીદાર, વહીવટદારો અને સેક્રટરી એવા હોદ્દા નિર્માણ થયા હતા. ગંગાદાસ પ્રમુખ થયા તે અમે કહ્યું છે. નર્મદાશંકર લાલશંકર ઉપપ્રમુખ; ચીમનલાલ નંદલાલ અને મુરલીઘર ગીરધર કીલીદાર; વહીવટદારોમાં આપણે અગાડી જતાં નામાંકિત થયેલા પુરૂષનાં નામ જોઈએ છઈએ. કરશનદાસ મૂળજી, ઝવેરીલાલ ઉમિયાશંકર, કરસનદાસ માધવદાસ અને ત્રીભોવનદાસ દ્વારકાંદાસનાં નામ આપણું ધ્યાન ખેંચે છે. સેક્રટરી તરીકે આપણા અડગ સૂધારક અને પ્રવૃત્તિના પૂતળા રૂપ સ્વ. મહીપતરામ હતા એમ જણાય છે.