પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિતીય ખણ્ડ.

સાઠીનૂં વાઙ્ગમય

પ્રકરણ ૧.

પાછલા ખંડમાં ઈ. સ. ૧૮૪૮ થી તે ૧૯૦૮ સુધીની સાઠીની પૂર્વે સાહિત્યની સ્થિતિ કેવી હતી તે કહી ગયા. તે કાળમાં કેળવણીનો ક્રમ કેવો હતો તે પણ અમે કહ્યું; તેમજ તે કાળના આરંભમાં લોકોના મનની રૂચિ સાહિત્ય તરફ કેવી અને કેઈ દિશામાં વળી હતી તેનું પણ યથોચિત વર્ણન આપ્યું. વળી એ ચળવળમાં કીયા કીયા ગૃહસ્થો સામિલ હતા તે વિષે પણ ટુંકી નોંધ લીધી. હવે અમે અમારા પ્રસ્તુત વિષયપર આવીશું. પારસી ગુજરાતીનો ઉદ્‌ભવ, અભ્યુદય અને વર્ત્તમાન સ્થિતિનું સહજ ચિત્ર આપવાનો યત્ન કરીશું. પાદરી લોકોએ પોતાનો ધર્મ ફેલાવવા અને સામાન્ય રીતે જનમંડળને સુધારવાને શું શું કર્યું અને તે અંગે ગુજરાતી સાહિત્યમાં તેમણે શો ફાળો આપ્યો તે પણ ઘણું ટૂંકાણમાં કહીશું. જૈન સાહિત્યની ટુંકી નોંધ લઇશું. છેવટે સાહિત્યનાજ એક અંગ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, અને માસિક વગેરે પત્રો, તેમજ સાહિત્યની પુરી પુષ્ટિ કરનાર મુદ્રાયંત્ર–છાપખાનાની પણ સહેજ હકીકત કહીશું.

આ સાઠીમાં ચોતરફનાં જૂદાં જૂદાં બળોને લીધે સાહિત્યનો ઉદ્‌ભવ અને અભ્યુદય થયો તે વરણવીશું; તે અંગે એ અરસામાં પ્રગટ થએલાં પુસ્તકો વિષે ટૂંકાણમાં કહીશું. અમને ભય લાગે છે કે એમ કરતાં અમે એ પુસ્તકો પ્રગટ થયાનો કાળક્રમ જાળવી શકીશું નહિ. એટલે અમારા આ લઘુ ગ્રંથની ગોઠવણ કાળ પ્રમાણે નહિ થાય, પુસ્તકોના વિષયવાર ભાગ પાડી નાંખીને દરેક વિષયને અનુસરીને તેમાં લખાયલાં માત્ર જાણવા લાયક પુસ્તકોના ગુણદોષની ટૂંકી નોંધ પણ લઈશું.