પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
શાળોપયોગી ગ્રંથો.

પોતાની વિદ્વત્તાના, પોતાની શુદ્ધ, સરળ અને રસિક ભાષાના અને ગુજરાતી ભાષા તરફ પોતાની અગાધ પ્રીતિ અને પક્ષપાતના શુભ કીર્ત્તિસ્થંભરૂપ તેમનું વ્યાકરણ ઉમેર્યું છે તે ચિરકાળ રહેશે.

શાસ્ત્રી વૃજલાલ કાળીદાસના 'ગુજરાતી ભાષાનો ઇતિહાસ' અને 'ઉત્સર્ગમાળા' નામના વિદ્વત્તાભર્યા ગ્રંથો ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થયા હતા. ભાષાશાસ્ત્ર શાસ્ત્રની ગણનામાં થોડા કાળથીજ આવ્યું છે; અને ઇંગ્રેજી જેવી ખેડાયેલી ભાષામાં શાસ્ત્રીય રીતિયે લખાયલા વ્યાકરણની હજુ પણ ખોટ છે, તો ગુજરાતી ભાષામાં આવો ગ્રંથ ક્યાંથી હોય ? 'ઉત્સર્ગમાળા' હેમાચાર્યના ગ્રંથને આધારે લખાયલું પુસ્તક છે. પ્રાકૃત જોડે આપણી ભાષાનો સંબંધ દર્શાવી પ્રાકૃતના અભ્યાસ તરફ પહેલ વહેલી અભિરૂચી ઉત્પન્ન કરવાનું માન આ વિદ્વાનને ઘટે છે.

ગુજરાતી ભાષાના ભાષાશાસ્ત્રની રીતિના અભ્યાસક્રમનું દિગ્દર્શન સ્વ. નવલરામના 'વ્યુત્પત્તિપાઠ' માં જ પ્રથમ થાય છે. શાસ્ત્રીય રચનાનો આ ગ્રંથ એ સ્વર્ગવાસી વિદ્વાનના અગાધશ્રમનું આનંદદાયક ફળ છે. પોતાની માતૃભાષાને આવી સ્મૃદ્ધિ આપી જનારાને સર્વદા ધન્યવાદ જ ઘટે છે.

અમારા એક શિષ્ય જૂનાગઢવાળા રા. જેચંદ બહેચર ઝવેરીએ 'વ્યુત્પત્તિસાર' નામનો આ વિષયનો એક ગ્રંથ લખ્યો છે. એમાં સ્વ. નવલરામ કરતાં પણ એ વિષયમાં એ અગાડી વધ્યા છે તે જોઇને આનંદ થાય છે. ઘણાં વર્ષ થયાં છે તોપણ 'વ્યુત્પત્તિપાઠ ,' 'ગુજરાતી ભાષાનો ઇતિહાસ' જેવા ગ્રંથોની સ્પર્ધા કરે એવા બીજા ગ્રંથો લખાયા નથી એ શોચનીય છે.

નિશાળોને સારૂ કેળવણીખાતા તરફથી 'વ્યુત્પત્તિપ્રકાશ' નામનું પુસ્તક પણ બહાર પડ્યું છે.

(૨) સંસ્કૃત—સ્વ. ડા. હ. હ. ધૃવે ‘ मुग्धाचबोध औतिक ’ નામનું જુની ગુજરાતીમાં લખેલું સંસ્કૃત વ્યાકરણ પ્રસિદ્ધિમાં આણ્યું હતું. વૃજલાલ શાસ્ત્રી અને રેવ. જે. પી. એસ. ટેલર સાહેબે કરેલો 'ધાતુસંગ્રહ' નામનો ઉપયોગી ગ્રંથ સંસ્કૃત ધાતુઓ અને તેપરથી થયેલા ગુજરાતી શબ્દોનો સારો સંગ્રહ છે.