પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

રા. રણછોડભાઈ ઉદયરામે ‘લઘુ કૌમુદી’ ના બહુ ઉપયોગી ભાષાન્તરનો ગુજરાતી સાહિત્યમાં ઉમેરો કર્યો છે. નવી પદ્ધતિથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાને લખાયેલી "માર્ગોપદેશિકા" અને "સંસ્કૃત મંદિરાન્તઃ પ્રવેશિકા" નામની પહેલી અને બીજી ચોપડીઓનાં ભાષાન્તર થયાં છે. પ્રથમ પુસ્તકનું ભાષાન્તર સ્વ. નંદશંકર, રા. કે. હ. ધ્રુવ અને સ્વ. બેલસારે એમણે જૂદે જૂદે સમયે કર્યું છે. બીજી ચોપડીનું ભાષાન્તર દિ. બા. અંબાલાલ દેશાઈનું છે.

(૩) ગણિત—

બીજ ગણિત.

કેપ્ટન જર્વિસના ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર સન ૧૮૨૮ માં થયું હતું. ત્યારબાદ પ્રો. જમશેદજી દલાલે એક અક્ષરગણિત લખ્યું છે.

અંકગણિત—

મી. હોપે શરૂઆતમાં નાનું અંકગણિત બહાર પાડ્યું હતું. આ ગણિતમાં છેક મૂળતત્વોનું જ વિવેચન હતું, અને હિસાબો મગજને ઓછી કસરત મળે એવા હતા. ત્યારબાદ રા. બા. લાલશંકરે ‘અંકગણિતનાં મૂળતત્વો’ અને ‘મોટું અંકગણિત’ બહાર પાડ્યાં હતાં. ઘણાં વર્ષથી ગુજરાતી નિશાળોમાં આ ચોપડીઓ શિખવાય છે, અને દર આવૃત્તિએ તેમાં યોગ્ય ફેરફાર અને વધારો ઘટાડો થાય છે.

દેશી રીતે હિસાબ રાખવાની પદ્ધતિની ચોપડીઓ પણ હયાતીમાં આવી છે. ‘દેશીહિસાબ ભાગ ૧ લો’ અને ‘દેશીહિસાબ ભાગ ૨ જો’ એ આંક, અને સરાફી રીતે નામું વગેરે વિષયની ચોપડીઓ છે. ખાસ નામાંની પણ કેટલીક ચોપડીઓ ઉમેરાઈ છે. મોઢેજ ગણવાના હિસાબલેખાં વગેરેની કુંચીઓ–રીતિયોનાં પુસ્તકો પણ લખાયાં છે. કોષ્ટકો, કોયડા પણ ભૂલી જવાયા નથી. સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલનો ‘કોયડા સંગ્રહ’ આ વિષયનું નાનું પણ સારૂં પુસ્તક છે. વ્યાજની જંત્રીઓ ધરાધરી નીકળી છે.